ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે બે લોકોનો ભોગ લીધોઃ પરિવારજનો શોકમગ્ન

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં માવઠા એ બે લોકોનો જીવ લીધો હતો. મહુવામાં મકાન ધરાશાયી થતાં વૃદ્ધનું અને શિહોરમાં મહિલાનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદથી બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. જેમાં મહુવાના ગાંધીબાગથી હોસ્પિટલ રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો હતો.
મનસુખભાઇ વિરજીભાઇ પરમાર (ઉ.વ.72) નામના વૃદ્ધ ચાલીને જતાં હતા તે વેળાએ તે પાણીના ખાડામાં પડી જતાં મોત નિપજ્યું હતું અને તેમની લાશ મળી આવતા આજુબાજુના દુકાનદારોએ મહુવા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી..
આપણ વાચો: હાલોલમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો! વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન
મૃતકની લાશને પી.એમ. અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને તેમના પરિવારના સભ્યોને સંપર્ક કરાયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
જ્યારે સિહોર તાલુકાના ઘાંઘળી ગામે રહેતા ટીનાબેન ચંદુભાઈ સોલંકી (ઉ.વ.45) નું બાજુવાળાનું જૂનવાણી મકાન વરસાદી માહોલમાં ધરાશાયી થતાં ટીનાબેન કાટમાળમા દબાઇ ગયા હતા. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજતા પરિવારમાં ભારે શોક છવાઈ જવા પામ્યો હતો.



