ભાવનગરમાં એક ટ્રેનને લીલી ઝંડી આપવા ત્રણ કેન્દ્રીય પ્રધાન રહ્યા હાજરઃ સૌરાષ્ટ્રવાસીઓની વધી સુવિધા

ભાવનગરઃ સૌરાષ્ટ્રવાસીઓને અન્ય રાજ્યોમાં જવા માટે રેલવેની સુવિધાઓ ઘણી ઓછી મળતી હોવાની ફરિયાદો થાય છે. ત્યારે રેલવેએ વધુ એક સુવિધા સૌરાષ્ટ્રવાસીઓને આપી છે. રેલવેથી અયોધ્યા સીધા જઈ શકો તે માટે ભાવનગર-અયોધ્યા કેન્ટ ટ્રેનને આજે ખુદ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લીલી ઝંડી આપી છે. જોકે આ કાર્યક્રમમાં જોગાનુજોગ ત્રણ કેન્દ્રીય પ્રધાન એક મંચ પર આવ્યા હતા. વૈષ્ણવ ઉપરાંત ભાવનગરના બે સાંસદ અને રમતગમત પ્રધાન ડો. મનસુખ માંડવીયા અને ખાદ્ય-સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયા પણ પોતાના શહેરમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાવનગર-અયોધ્યા ઉપરાંત રીવા-પુણે (હડપસર) એક્સપ્રેસ, જબલપુર-રાયપુર એક્સપ્રેસ ટ્રેનને પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવવામાં આવી હતી. રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે છેલ્લા ૧૧ વર્ષમાં કાયાપલટ કરી છે.
જાણો ટ્રેનનો રૂટ અને શિડ્યુઅલ
ભાવનગર – અયોધ્યા કેન્ટ સાપ્તાહિક -એક્સપ્રેસ ટ્રેન નિયમીત રીતે 11 ઓગસ્ટ,2025 (સોમવાર)ના રોજ બપોરે 13.50 વાગ્યે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 18.30 વાગ્યે અયોધ્યા કેન્ટ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, પરત ફરતી વખતે, ટ્રેન નંબર 19202 અયોધ્યા કેન્ટ-ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 12 ઓગસ્ટ,(મંગળવાર)ના રોજ રાત્રે 22.30 વાગ્યે અયોધ્યા કેન્ટ સ્ટેશનથી ઉપડશે અને ગુરુવારે સવારે 4.45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર જંકશન, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર જંકશન, કિશનગઢ, જયપુર જંકશન, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ જંકશન, ભરતપુર જંકશન, ઇદગાહ, ટુંડલા જંકશન, કાનપુર સેન્ટ્રલ, લખનઊ અને બારાબંકી જંકશન સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ ક્લાસ, સ્લીપર, થર્ડ એસી, થર્ડ એસી ઇકોનોમી અને સેકન્ડ એસી કોચ છે.
આપણ વાંચો: અમેરિકન પરિવારને અમદાવાદમાં રહેવામાં પડી રહી છે શું મુશ્કેલી ? સોશિયલ મીડિયા પર માગી મદદ