ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવી સહિત બેના મોત

ભાવનગર: ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સાણોદર ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કારને આગળ જઈ રહેલી બીજી કારને ટક્કર મારતા ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના પરિણામે કાર પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે યુવાનોના ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યા હતા, જ્યારે એક બાળક અને બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તાત્કાલિક સારવાર માટે ભાવનગરની ખસેડાયા
અકસ્માતની જાણ થતાં જ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતના રાધનપુર સમી હાઇવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત
મૃતક સાળા-બનેવી હોવાની વિગત
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરથી સોમનાથ તરફ જઈ રહી હતી ત્યારે આગળ જતી બે કારમાંથી એક સાથે અથડાતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પલટી ખાઈ ગયેલી કારમાં સવાર દિનેશભાઈ ગોરધનભાઈ ચૌહાણ (ઉં.વ. 33, રહે. ભંડારીયા, જિ. ભાવનગર) અને જીતુભાઈ ધરમશીભાઈ પરમાર (ઉં.વ. 32, રહે. ગરાજીયા, તા. પાલીતાણા, જિ. ભાવનગર)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતક દિનેશભાઈ અને જીતુભાઈ સગપણમાં સાળા-બનેવી હોવાનું જાણવા મળ્યું હતું.
ત્રણે ઘાયલોની સ્થિતિ સ્થિર
આ ઉપરાંત, મુક્તાબેન જીતુભાઈ, ભાવુબેન દિનેશભાઈ અને એક બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલના તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ ત્રણેય ઘાયલોની સ્થિતિ સ્થિર છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.