ભાવનગરના સિહોરમાંથી નકલી દૂધનો માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ભાવનગરઃ સિહોરમાંથી નકલી દૂધનો માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. ફૂડ વિભાગની ટીમે 1220 કિલોગ્રામ નકલી દૂધનો માવો કબજે કરી સંચાલકની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, ભાવનગરના સિહોરમાં દેવગાણા વિસ્તારમાં આવેલી ફેક્ટરી ખાતે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાં ફેક્ટરીમાં માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવો નકલી દૂધનો માવો મળી આવ્યો હતો.
સમગ્ર મામલે ફૂડ વિભાગની ટીમે નકલી નકલી દૂધનો માવો સહિત 2.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફેક્ટરીના સંચાલક કલ્પેશ બરૈયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીના કારણે ભેળસેળ કરતાં ઇસમોમાં ફફડાટ ફેલાયો હતો.
આ પણ વાંચો : ખુશખબર! અમૂલે દૂધ, દહીં, માખણ, ઘી અને પનીર સહિત 700 થી વધુ ઉત્પાદનોના ભાવ ઘટાડ્યા
આ પહેલા આજે સુરત એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી હતી.. સુરત શહેરના અમુક વિસ્તારમાં ડુપ્લીકેટ ઘીનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેથી ડુપ્લીકેટ ઘીનુ વેચાણ થાય તે પહેલા જ પકડી પાડવામાં આવ્યું હતું. ડૂપ્લીકેટ ઘી વેચાતા ઇસમોને ઝડપી પાડવા માટે એસઓજીએ અલગ-અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમનસોર્સીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં. બાતમીના આધારે ત્રણ ફેક્ટરીમાં રેડ પાડીને કુલ 1,20,56,500 રૂપિયાનું 9,000 કિલોથી વધારે નકલી ઘી ઝપડી પાડવામાં આવ્યું હતું.