ભાવનગરમાં ચાલુ વર્ષે વરસાદે રેકોર્ડ તોડ્યોઃ દાયકામાં પ્રથમ વખત 40 ઇંચથી વધુ વરસાદ પડ્યો

ભાવનગરઃ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદે એક દાયકાનો રેકોર્ડ તોડ્યો હતો. પ્રથમ વખત જિલ્લામાં સરેરાશ એક હજાર મિ.મી. એટલે કે 40 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ગ્લોબલ વોર્મિંગની અસરથી ચોમાસાની પેટર્ન બદલાઈ હોય તેમ આ વર્ષે શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વરસાદે પાછલા તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતો.
જિલ્લામાં પ્રથમ વખત 42 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડયો છે. ગત વર્ષની તુલના કરતાં આ વર્ષે સાડા આઠ ઇંચ વધુ વરસાદ પડ્યો છે. હજુ થોડા દિવસ વરસાદની આગાહી છે, ત્યારે આ વર્ષે સરેરાશ 1100 મિ.મી. વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની હાલત કફોડી બની છે અને મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.
આપણ વાચો: ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે બે લોકોનો ભોગ લીધોઃ પરિવારજનો શોકમગ્ન
ભાવનગર જિલ્લામાં વર્ષ 2015માં 569 મિમી સાથે 99.96 ટકા, 2016માં 647 મિમી સાથે 112.86 ટકા, 2017માં 585 મિમી સાથે 100.14 ટકા, 2018માં 449 મિમી સાથે 74.09 ટકા, 2019માં 798 મિમી સાથે 135.84 ટકા, 2020માં 737 મિમી સાથે 123.66 ટકા, 2021માં 649 મિમી સાથે 108.12 ટકા, 2022માં 579 મિમી સાથે 94.75 ટકા, 2023માં 728 મિમી સાથે 118.04 ટકા, 2024માં 830.4 મિમી સાથે 133.18 ટકા વરસાદ નોંધાયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં 1041 મિમીથી વધુ વરસાદ નોંધાયો છે.
 


