રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર: ભાવનગર ડિવિઝને મીટરગેજ ટ્રેનોના સમયપત્રકમાં કર્યો ફેરફાર, જાણો કઈ ટ્રેનો થઈ રદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા અને વહીવટી કારણોને ધ્યાનમાં રાખીને મીટરગેજ સેક્શનની ટ્રેનોના સમયપત્રકમાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આગામી 19 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવનારા આ નવા સુધારા હેઠળ જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ અને જૂનાગઢ-વેરાવળ-જૂનાગઢ ટ્રેન સેવાઓને કાયમી ધોરણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, જેતલસરથી દેલવાડા તરફ મુસાફરી કરતા પ્રવાસીઓની સુવિધા માટે તાલાલા સ્ટેશન પર ટ્રેન કનેક્શનની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આપણ વાચો: પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગરમાં ટ્રેનોના સમય અને રૂટમાં ફેરફાર કરાયો, જાણો કઈ ટ્રેનો રદ થશે…
નવી સમય સારણી મુજબ, હવેથી વેરાવળ-દેલવાડા ટ્રેન સવારે 08:50 કલાકે ઉપડશે, જ્યારે જૂનાગઢ-વેરાવળ ટ્રેન સવારે 06:15 કલાકે પ્રસ્થાન કરશે. આ ઉપરાંત, વેરાવળ-જૂનાગઢ અને જૂનાગઢ-વેરાવળ વચ્ચે દોડતી અન્ય ટ્રેનોના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે.
મુસાફરોની સરળતા માટે ટ્રેન નંબર 52949/50 અને 52946/33 વચ્ચે કનેક્શન પૂરું પાડવામાં આવ્યું છે, જેથી મુસાફરોને લાંબો સમય રાહ જોવી ન પડે.
ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું હતું કે, સુધારેલા સમયપત્રકની તમામ વિગતો સંબંધિત રેલવે સ્ટેશનો પર પ્રદર્શિત કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરી શરૂ કરતા પહેલા રેલવેના અધિકૃત માધ્યમો, વેબસાઈટ અથવા સ્ટેશન પૂછપરછ બારી પરથી નવીનતમ સમયની ચોકસાઈ કરી લે, જેથી મુસાફરી દરમિયાન કોઈ અસુવિધા ન સર્જાય. આ ફેરફારોથી સ્થાનિક મુસાફરોના પરિવહન માળખામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે.


