ભાવનગરમાં મોટી દુર્ઘટના ટળી: પેથોલોજી લેબમાંથી શરૂ થયેલી આગ 3 હોસ્પિટલો સુધી પહોંચી, 19 દર્દીનું રેસ્ક્યૂ

ભાવનગર: રાજ્યમાં વધુ એક આગની ઘટના બની હતી. ભાવનગર શહેરના કાલા નાળા વિસ્તારમાં બુધવારે સવારે એક પેથોલોજી લેબમાં આગ લાગવાની ઘટના બની હતી. આગની શરૂઆત ગ્રાઉન્ડ ફ્લોરથી થઈ હતી, જે ધીમે ધીમે આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી અને કોમ્પ્લેક્સમાં આવેલી 3-4 હોસ્પિટલોને પણ તેની ઝપેટમાં લીધી હતી.
આગ લાગતાં પેથોલોજી લેબ અને બિલ્ડિંગમાં ફસાયેલા 19 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગ બુઝાવવા માટે 5 ફાયર ફાઇટર્સ અને 50થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ પણ વાંચો : નવી મુંબઈમાં એમઆઈડીસીમાં ફેકટરીમાં ભીષણ આગ
કોમ્પલેક્સમાં આવેલી છે હોસ્પિટલો
ભાવનગર શહેરના ‘સમીપ કોમ્પ્લેક્સ’માં આજે સવારે લગભગ 9 વાગ્યે આગ લાગી હતી. આ કોમ્પ્લેક્સમાં 10-15 હોસ્પિટલો, અન્ય દુકાનો અને ઓફિસો આવેલી છે. આગ લાગ્યા બાદ કોમ્પ્લેક્સની હોસ્પિટલમાં દાખલ બાળકો અને અન્ય દર્દીઓને ફાયર વિભાગે કાચ તોડીને બહાર કાઢ્યા હતા. આગ સમીપ કોમ્પ્લેક્સમાં આવેલી દેવ પેથોલોજી લેબમાં લાગી હતી. સ્થાનિક લોકોએ પણ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને બાળકો અને વૃદ્ધોને બહાર કાઢવામાં મદદ કરી હતી, જેના કારણે થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.
આ પણ વાંચો : ગોરેગામમાં ખુલ્લા મેદાનમાં ઝાડી-કચરામાં આગ
ગ્રાઉન્ડ ફ્લોરથી આગની થઈ હતી શરૂઆત
અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ ઘાયલ કે મૃત્યુ થયું નથી. તમામ દર્દીઓને મેડિકલ કોલેજની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાવનગર ફાયર ડિપાર્ટમેન્ટના ફાયર ઓફિસર પ્રદ્યુમ્ન સિંહે જણાવ્યું કે, 19-20 લોકોને બચાવવામાં આવ્યા છે. કાલુભા રોડ પર સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. આ કોમ્પ્લેક્સમાં મોટા ભાગે હોસ્પિટલો છે. આગ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થઈ હતી અને પછી આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી.
અમદાવાદમાં પણ ગઈકાલે લાગી હતી આગ
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદના વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પલેકસની સોલવન્ટ સહિત અન્ય ફલેમેબલ ઓઈલ રાખતી એક દુકાનમાં મંગળવારે સવારે 9.30 કલાકે આગ લાગી હતી. આ આગ જોતજોતામાં બે માળના બિલ્ડિંગમાં આવેલી 18 દુકાન સુધી ઝડપથી પ્રસરી જતા આગ બેકાબૂ બનતા ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા દૂર દૂર સુધી આગની જવાળાઓ જોવા મળતી હતી. અઢી કલાકની ભારે જહેમત પછી ફાયર વિભાગ આગ ઉપર કાબૂ મેળવાયો હતો.



