5 વર્ષથી દુષ્કર્મ, ન્યૂડ ફોટાથી બ્લેકમેલ: સગીરા પર પિતરાઈ ભાઈનું ઘૃણાસ્પદ કૃત્ય

ભાવનગર : રાજ્યમાં ભાઈ-બહેનના સંબંધને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના એક ગામમાં સગીરા પર તેના જ મોટાબાપાના દીકરા દ્વારા પાંચ વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી સગીરાને ન્યૂડ ફોટા પરિવારજનોને મોકલવાની તેમજ તેના પિતા અને ભાઈઓને મારી નાખવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો.
5 વર્ષની પીડા અને બ્લેકમેઇલિંગ
સોનગઢ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, 19 વર્ષીય પીડિતાએ તેના મોટાબાપાના પુત્ર વિરુદ્ધ દુષ્કર્મ, બ્લેકમેલિંગની ફરિયાદ કરી હતી. પીડિતાએ જણાવ્યું કે આશરે પાંચ વર્ષ પહેલાં જ્યારે તે માત્ર 15 વર્ષની હતી, ત્યારે આરોપીએ તેને ભોળવી-ફસાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આ પણ વાંચો : લખનઉમાં એક વિદ્યાર્થિની બની સામૂહિક દુષ્કર્મનો શિકાર, બે જણની ધરપકડ
પરિવારના સભ્યો ખેતીકામ માટે બહાર ગયા હોય તેવા સમયે આરોપી ઘરે આવતો અને એકાંતનો લાભ લઈ સગીરાની અસંમતિ હોવા છતાં તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. ત્યારબાદ તે સગીરાના બિભત્સ ફોટા બતાવીને અને ધમકી આપીને વારંવાર શારીરિક સંબંધો માટે મજબૂર કરતો હતો.
પીડિતા જ્યારે ના પાડતી, ત્યારે આરોપી પરિવારજનોને બંનેના ન્યૂડ ફોટા મોકલી દેવાની તેમજ પીડિતાના પિતા અને ભાઈઓને મારી નાખવાની ધમકી આપતો હતો. આટલું જ નહીં પીડિતાનું વેવિશાળ નક્કી થયા બાદ તેણે આરોપીને આ સંબંધ તોડી નાખવા કહ્યું હતું. તેના જવાબમાં આરોપીએ વોટ્સએપ મેસેજમાં ગાળો આપી અને વેવિશાળ તોડાવી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો : પ્રેમાનંદ મહારાજના દર્શન માટે ટોકન અપાવવાનું કહી યુવતી પર દુષ્કર્મ આચર્યું! અશ્લીલ વીડિયો પણ બનાવ્યાં
6 ઓક્ટોબરે પણ આચર્યું હતું દુષ્કર્મ
તાજેતરમાં, ગત 6 ઓક્ટોબર, 2025ના રોજ, આરોપીએ સગીરાને તેની વાડીમાં બોલાવીને ફરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ પીડિતાથી વધુ સહન ન થતાં તેણે સમગ્ર હકીકત પોતાના મોટા ભાઈને જણાવી હતી. જ્યારે પીડિતાનો પરિવાર આરોપીને સમજાવવા તેના ઘરે ગયો, ત્યારે આરોપીએ તેના ભાઈ પર ધારીયા વડે હુમલો પણ કર્યો હતો. અગાઉ આ હુમલા અંગે જમીન વિવાદના કારણ હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી.
આ પણ વાંચો : વિસનગર પછી ઉનાઃ નવાબંદરમાં આધેડવયની મહિલા પર નરાધમોએ દુષ્કર્મ આચરી ફરાર
પોલીસે આરોપીને ઝડપી લીધો
સમાજમાં બદનામી થવાનો ડર હોવા છતાં, પીડિતાએ પોતાના ભાવિ પતિને સમગ્ર બાબતની જાણ કરી દેતાં, અંતે હિંમતભેર સોનગઢ પોલીસ મથકે મોટાબાપાના દીકરા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો હતો.



