ભાવનગરમાં જલારામ મંદિરે 18000 કરતા વધુ લોકોએ મહાપ્રસાદ, 50000થી વધુ લોકોએ દર્શન કર્યા

ભાવનગરઃ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે પૂજ્ય બાપાની 226મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
જલારામ મંદિર આનંદનગર ખાતે સવારથી મોટી સંખ્યામાં ભક્તો નું જાણે ઘોડાપૂર ઉમટ્યું હતું. દિવસ દરમિયાન 50,000 કરતાં વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. તેમજ 18000થી વધુ લોકોએ મહાપ્રસાદ લીધો હતો.
જલારામ મંદિર ખાતે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જલારામ બાપાને 250થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અન્નકૂટના દર્શન માટે અને ભજન ધૂન માટે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આપણ વાચો: આનંદો, અમૂલે કાશી વિશ્વનાથ મંદિરમાં મહાપ્રસાદનું ઉત્પાદન શરૂ કર્યું,જાણો ખાસિયત
તેમજ સમૂહ ધૂન અને મહા આરતી કરી હતી. બપોરે 12.15 કલાકે પૂજ્ય બાપાની મહાઆરતી કરવામાં આવી હતી. જલારામ જયંતીના દિવસે મંદિર સવારે પાંચ કલાકથી જ દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું.
બાપાની જ્યંતી નિમિતે જલારામ મંદિર આનંદનગર અને રેડક્રોસ સોસાયટી ભાવનગરના સહકારથી રક્તદાન શિબિર, 200થી વધારે લોકોનું જનરલ મેડિકલ ચેકઅપ અને પ્રાથમિક સારવારની ટુકડી તેમજ ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેના સંકલ્પ પત્રો ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 40 થી વધુ ભક્તોએ રક્તદાન પણ કર્યું હતું.



