ભાવનગર

ભાવનગરમાં હેડ કોન્સ્ટેબલ આપઘાત કેસઃ PSI ગોસ્વામીની જામીન અરજી મુદ્દે શનિવારે ફેંસલો

ભાવનગર: જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલના આપઘાત કેસમાં સંડોવાયેલા આરોપી PSI બી. કે. ગોસ્વામીની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગત 31 જાન્યુઆરી 2026ના રોજ ભાવનગરની ચોથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલી આ અરજી સંદર્ભે આજે કોર્ટમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી, જેના અંતે કોર્ટે ચુકાદો અનામત રાખતા હવે આગામી શનિવારના રોજ આ મામલે ઓર્ડર કરવામાં આવશે.

મળતી વિગતો અનુસાર, ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આત્મહત્યા કેસમાં ઘોઘા પોલીસ મથકના જ પીએસઆઈ બી. કે. ગોસ્વામી વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ ગુનો નોંધવામાં આવતા પોલીસ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. મૃતકના પિતા જેઓ પોતે નિવૃત્ત પોલીસ કર્મચારી છે, તેમણે આ અંગે વિધિવત ફરિયાદ દાખલ કરી હતી. પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે કે પીએસઆઇ દ્વારા કરવામાં આવતા સતત માનસિક ત્રાસ અને હેરાનગતિના કારણે જ દિગ્વિજયસિંહે જીવન ટૂંકાવવાનું અંતિમ પગલું ભર્યું હતું.

આ પણ વાચો : ગાંધીનગરના બિલ્ડર પુત્રના આપઘાત કેસમાં શું થયો મોટો ઘટસ્ફોટ ?

ઘટનાની વિગતો મુજબ ગત ૧૨ જાન્યુઆરીના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં જ ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં ૧૦ દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ ગત ૨૨ જાન્યુઆરીના તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ બાદ પરિવારજનોએ ન્યાયની માંગ સાથે આક્ષેપ કર્યો હતો કે પીએસઆઇ ગોસ્વામી દ્વારા કરવામાં આવતું શોષણ દિગ્વિજયસિંહના મૃત્યુનું મુખ્ય કારણ હતું.

આ કેસમાં પરિવારના સતત વિરોધ અને ન્યાયની માંગણી બાદ અંતે આઠ દિવસ પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ચાલુ ફરજ દરમિયાન એક પોલીસ કર્મચારીએ પોતાના જ ઉપરી અધિકારીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે નોંધાયેલી આ ફરિયાદના કારણે સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ચર્ચાઓ જાગી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button