ભાવનગરમાં ડોક્ટરના ઘરમાં ભીષણ આગ: AC ફાટતા મહેમાનો સહિત 9 લોકો ગૂંગળાયા

ભાવનગર: શહેરમાં આજે વહેલી સવારે જાણીતા તબીબના નિવાસસ્થાને શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ આગના કારણે ઘરમાં રહેલું એસી ફાટ્યું હતું, જેના પરિણામે ડોક્ટરનો પરિવાર આગ અને ધુમાડાની ઝપેટમાં આવી ગયો હતો.
મળતી વિગતો અનુસાર વહેલી સવારે ૫.૨૬ કલાકે ઘોઘા સર્કલ વિસ્તારમાં ટી.વી. કેન્દ્ર નજીક જાણીતા તબીબના મકાનમાં આગ લાગી હતી. એસી ફાટવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળતાં ઘરમાં હાજર ૯ સભ્યો ગૂંગળાઈ ગયા હતા.
આ બનાવમાં હિત નરમાણી (ઉ.વ. ૧૫) નામનો બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના સ્ટાફે તાત્કાલિક અસરથી ડોક્ટર પરિવારના નવ સભ્યને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
આપણ વાંચો: મલાડના પઠાણવાડીમાં ગોડાઉનમાં ભીષણ આગ
અકસ્માતમાં અસરગ્રસ્ત બનેલા ૯ સભ્યોમાં ડો. ચંદન નરવાણી (ઉ.વ. ૩૧), પ્રીતિબેન નરવાણી (ઉ.વ. ૩૫), હરગુન નરવાણી (ઉ.વ. ૪), નીતિન નરવાણી (ઉ.વ. ૪૧), સીમાબેન નરવાણી (ઉ.વ. ૩૫), સુનીતાબેન નરવાણી (ઉ.વ. ૬૯), આરવી નરવાણી (ઉ.વ. ૧૬), મેસન્સ (ઉ.વ. ૧૧) અને દાઝી ગયેલો બાળક હિત નરવાણી (ઉ.વ. ૧૫) નો સમાવેશ થાય છે.
પ્રાથમિક સારવાર બાદ ગૂંગળામણ અનુભવતા તમામ સભ્યોને ફેફસામાં તકલીફ થતાં તેમને વધુ સારવાર માટે બજરંગદાસબાપા આરોગ્ય ધામમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ડો. ચંદન નરવાણીના સુરત રહેતા ભાઈ નીતિનભાઈ તેમના પરિવાર સાથે દિવાળી કરવા ભાવનગર આવ્યા હતા, તેઓ પણ આ દુર્ઘટનામાં અસરગ્રસ્ત બન્યા હતા. ફાયર બ્રિગેડના સ્ટાફે ત્રણ ગાડી પાણીનો છંટકાવ કરીને ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ આગમાં ઘરની તમામ ઘરવખરી સળગી ગઈ હતી.