ભાવનગરમાં ધાર્મિક-રહેણાંક સહિત 30 દબાણો દૂર કરાયા: 3000 ચોમી જગ્યા ખુલ્લી કરાઈ

ભાવનગરઃ શહેરમાં તંત્રનું દબાણ મુકિત અભિયાન અકવાડા મદરેસા બાદ બુધવારે નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પરના દબાણો પર બૂલડોઝર ફર્યું હતું. કેટલાંક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ગેરેજ, ભંગારની દુકાનો અને એક ધાર્મિક સ્થાન સહિત કુલ 25થી 30 દબાણો પર કાર્યવાહી કરાઈ હતી.
સીટી સર્વે દ્વારા આપવામાં આવેલી આખરી નોટિસ બાદ વહેલી સવારે સીટી મામલતદાર અને 100થી વધુ પોલીસ કાફલા સાથે ડીમોલેશન થયું હતું. આ કામગીરી દરમિયાન અંદાજે 60 કરોડની 3 હજારથી 3,500 ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરાઈ હતી.
ભાવનગર શહેરમાં તંત્ર દ્વારા દબાણો પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું હતું, બે દિવસ પૂર્વે અકવાડા મદરેસાના રસ્તા પર કરેલ બાંધકામ પર મહાનગર પાલિકા દ્વારા ડીમોલેશન કર્યું ત્યાર બાદ શહેરના નવાપરા કબ્રસ્તાનવાળી જગ્યા તરીકે ઓળખાતી સરકારી જમીનમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ઓટો ગેરેજ અને ભંગાર સહિત દબાણો ખડકાયેલા હતા.
જેમાં 25થી 30 જેટલા દબાણકારોને દબાણ ખુલ્લું કરવા આપેલી અંતિમ તારીખ 18 નવેમ્બરથી 25મી નવેમ્બર સુધીમાં દબાણો ખુલ્લા કરવા સીટી સર્વે દ્વારા આખરી નોટિસ આપવામાં આવી હતી. જેમાં સરકારી જગ્યા પર કરેલ દબાણ ગેરેજ, ભંગારની દુકાનો અને 1 ધાર્મિક સ્થાન અને ઓફિસ સહિતની 25થી 30 બાંધકામો પર સીટી મામલતદાર, 100 પોલિસ કર્મીઓના કાફલા સાથે વહેલી સવારે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને 3 હજારથી 3500 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.



