
બગદાણા: સૌરાષ્ટ્રની સંત પરંપરા ખૂબ જ ઉજ્જવળ રહી છે, અહીના સંતોએ પરાયાની સેવા કાજે પોતાના આયખા અર્પણ કરી દીધા છે. સંત દેવીદાસ, આપા દાના, જલારામ બાપાથી લઈને અનેક સંતોની આગવી પરંપરા રહી છે. આ સંત પરંપરામાં એક ઉજ્જવળ નામ એટલે બજરંગદાસ બાપા. બજરંગદાસ બાપાની કીર્તિ માત્ર સૌરાષ્ટ્ર પૂરતી સીમિત નથી રહી, પરંતુ સીમાડાઓને ઓળંગીને દેશ વિદેશ સુધી વ્યાપી છે. બાપાની સેવા અને ભક્તિ તો ઉજ્જવળ છે જ પણ આ સાથે જ તેમનો રાષ્ટ્રપ્રેમ પણ નોંધવા જેવો રહ્યો છે.

બજરંગદાસ બાપાનો જન્મ લગભગ 1906માં ભાવનગર નજીકના અઘેવાડા ગામ નજીક ઝાંઝરિયાં હનુમાનની જગ્યામાં થયો હતો. તેમના માતાનું નામ શિવકુવરબા અને પિતાજીનું નામ હીરાદાસજી હતું. પરિવાર રામાનંદી સાધુ હોવાથી તેમનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું હતું. બગદાણા એ બાપાની કર્મભૂમિ રહી છે, ઈ.સ. 1941-1942 આસપાસ બગદાણા ગામમાં પરમ બજરંગદાસ બાપાનું આગમન થયું હતું અને બાપા અહી તેમનો દેહ શાંત થયો ત્યાં સુધી રહ્યા હતા. વર્ષ 1977માં પોષ વદ ચોથના દિવસે બજરંગદાસ બાપા બ્રહ્મલીન થયા હતા.

દેશ માટે પોતાની બંડીની પણ લીલામી કરી
બાપાના રાષ્ટ્રપ્રેમની વાત કરવામાં આવે તો, ઈ.સ. 1958માં વિનોબા ભાવે દ્વારા સમગ્ર દેશમાં પુરજોશમાં ભૂદાન ચળવળનું આંદોલન ચલાવવામાં આવ્યું ત્યારે બજરંગદાસ બાપાએ જમીન ખરીદી કરીને તે જમીન ભુદાનમાં અર્પણ કરી હતી. ત્યારબાદ ઈ.સ. 1962નું ચીન સાથેનું યુદ્ધ અને 1965 માં પાકિસ્તાન સાથેની લડાઈ વખતે બજરંગદાસ બાપાએ માત્ર આશ્રમની જમીન જ નહિ પરંતુ માલ સામાન, આશ્રમના વાસણની તો લિલામી કરી પરંતુ સાથે સાથે પોતાની બંડીની પણ લીલામી કરી નાખી હતી. તેના દ્વારા જે રકમ આવેલ તે રકમ જિલ્લા કલેકટર દ્વારા રાષ્ટ્રના સંરક્ષણ ફંડમાં અર્પણ કરેલી.

બ્રહ્મલીન થયા બાદ પણ જળવાઈ પરંપરા
બાપાના રાષ્ટ્રસેવાની પરંપરા તેમના દેહ શાંત થઈ ગયા પછી પણ યથાવત રહી હતી. ઈ.સ. 1999 માં કારગીલ યુદ્ધ વખતે બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાનએ બાપાનો રાષ્ટ્રસેવાનો માર્ગ કાયમ રાખતા સંરક્ષણ ફંડમાં પાલીતાણા ખાતે તત્કાલિન ઉપ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને અગિયાર લાખનું યોગદાન કરેલ હતું. કોરોનાકાળ દરમિયાન મુખ્યમંત્રી રાહત ફંડ માં પચ્ચીસ લાખનું કોરોનાગ્રસ્તની સહાય માટે યોગદાન આપેલું તેમજ કોરના સમયમાં પૂર્ણ સમય સુધી આશ્રમ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

50મી નિર્વાણતિથી સુધીમાં 1,00,000 વૃક્ષોનું વાવેતર
બાપાએ માત્ર ભક્તિ નહિ પરંતુ વિદ્યા દાનના મહત્વને પણ સમજાવ્યું હતું. બાપાની હયાતીના સમયમાં ઈ.સ.1975-76માં બગદાણા ખાતે હાઇસ્કુલ બનાવડાવીને તેને વહીવટ માટે ગ્રામ પંચાયતને સમર્પણ કરી દીધી હતી. હાલમાં પણ બાપાના પર્યાવરણ પ્રેમને તેમના સ્વયંસેવકો, ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમા 2024 સુધીમાં 35,000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને બાપાની 50મી નિર્વાણતિથી સુધીમાં 1,00,000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને જતન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.



