બગદાણામાં ઉત્સવની તૈયારી: 6 જાન્યુઆરીએ ઉજવાશે બાપાનો 49મો પુણ્યતિથિ મહોત્સવ, લાખો ભાવિકો ઉમટશે

મહુવા (ભાવનગર): ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થધામ બગદાણા ખાતે પૂજ્ય બજરંગદાસ બાપાના 49મા પુણ્યતિથિ મહોત્સવનું ભાવ અને શ્રદ્ધાભેર આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પુણ્યતિથિ મહોત્સવમાં એક લાખથી વધુ ભાવિકો બાપાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવશે. આ ભવ્ય મહોત્સવને સફળ બનાવવા માટે ગુરુઆશ્રમ ખાતે અત્યારથી જ પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આયોજન માટે 350 ગામોના પ્રતિનિધિઓની વિશેષ બેઠક
આ આયોજનના ભાગરૂપે ગત રવિવાર, 28 ડિસેમ્બરના રોજ આશરે 350 ગામોના 700 જેટલા પ્રતિનિધિઓની એક વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મહોત્સવના આગોતરા આયોજન અને વિવિધ વિભાગોમાં સેવાકાર્યની વહેંચણી અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં તમામ સ્વયંસેવકોને અલગ-અલગ જવાબદારીઓ સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આશ્રમની શોભા અનેરી હશે.
પુણ્યતિથિ મહોત્સવને રંગેચંગે ઉજવવા માટે ગુરુઆશ્રમના સમગ્ર પરિસરને આકર્ષક ફૂલો અને હારતોરાથી શણગારવામાં આવશે, તેમજ રાત્રિના સમયે આશ્રમ રોશનીના જગમગાટથી ઝળહળી ઉઠશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1977માં પોષ વદ ચોથના દિવસે બજરંગદાસ બાપા બ્રહ્મલીન થયા હતા, ત્યારથી દર વર્ષે આશ્રમ દ્વારા ધામધૂમપૂર્વક પુણ્યતિથિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.



