ભાવનગરના કાળાતળાવ ગામે ખેડૂત પર હુમલો: ન્યાય માટે પાટીદાર સમાજ મેદાનમાં, શું છે સમગ્ર મામલો?

વલ્લભીપુર: ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામે નદીમાંથી રેતી ભરવા જેવી બાબતે વૃદ્ધ ખેડૂત પર ગામના ત્રણ અસામાજિક તત્વોએ કોદાળીના હાથાથી હુમલો કરી અપશબ્દો બોલવામાં આવ્યા હતા. આ હુમલામાં ગામના ખેડૂત અરજણભાઈ દિયોરાને ઈજાઓ પહોંચી હતી અને તેમને ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે હુમલો કરનારા ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી હતી.
મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામના ખેડૂત અરજણભાઈ દિયોરા ગામની સ્થાનિક નદીમાંથી તેમના ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા ત્યારે ગામના નાથા ઉલવા અને તેના ભત્રીજા રાજુ ઉલવાએ આવીને તેમને ગાળો ભાંડી હતી તેમ જ નદીમાંથી માટી ભરવા બાબતે પ્રશ્ન કર્યો હતો.
જેના જવાબમાં અરજણભાએ કહ્યું હતું કે આ જાહેર નદી છે. આથી રાજુ ઉશ્કેરાઈ ગયો હતો અને ખેડૂતને ઢોરમાર મારવા લાગ્યો હતો. આથી ખેડૂત અરજણભાઈ ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓને ભાવનગરની સર ટી. જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ હુમલાનો પડઘો સુરતમાં પડ્યો હતો અને પીડિત વૃદ્ધ ખેડૂતને ન્યાય આપવા માટે સુરતમાં પાટીદારોની સંકલન મિટિંગ યોજાઇ હતી, જેમાં 2000થી વધુ પાટીદાર હાજર રહ્યા હતા. આ બેઠક બાદ પાટીદાર સમાજના લોકોએ 100થી વધુ કારના કાફલા સાથે કાળાતળાવ ગામ જવા માટે રવાના થયો હતો, અને ત્યાં બેઠક યોજવાના હતા.
આપણ વાંચો: 13 વર્ષે પણ ભરતી નહીં! ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોમાં ફાર્માસિસ્ટની આટલી જગ્યાઓ ખાલી