ભાવનગરમાં જીવ બચાવતી એમ્બ્યુલન્સે જ બે મજૂરોને ફંગોળ્યા: લોકોમાં રોષ

ભાવનગર: સામાન્ય રીતે એમ્બ્યુલન્સ જીવ બચાવનારૂ વાહન માનવામાં આવે છે પરંતુ ભાવનગરના એક કિસ્સામાં તો એમ્બ્યુલન્સે જ બે યુવકોને ઉડાડ્યા હતા. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા ભડી ટોલનાકા નજીક ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ખાનગી એમ્બ્યુલન્સે બે પરપ્રાંતીય યુવકોને અડફેટે લઈને ઉડાવ્યા હતાં.
મળતી વિગતો અનુસાર ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ‘ચિરંજીવી’ નામની ખાનગી એમ્બ્યુલન્સ તળાજા તાલુકાના ગામથી એક દર્દીને ભાવનગર મૂકીને પરત ફરી રહી હતી.
આ દરમિયાન એમ્બ્યુલન્સ જ્યારે ભડી ટોલનાકા નજીક પહોંચી ત્યારે ચાલકે બે યુવકોને ટક્કર મારી હતી. એમ્બ્યુલન્સના ચાલકે અચાનક ડાબી બાજુમાં જઈને ગફલતભરી રીતે સાઇડ કાપવા માટે વાહનનું સ્ટીયરિંગ ફેરવીને રોડની બાજુમાં ઊભેલા બે યુવકોને જોરદાર ટક્કર મારીને ઉડાવ્યા હતા.
આપણ વાંચો: કોડીનાર-સુત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઉભેલા લોકોને ડમ્પરે ઉડાડ્યા, બેના મોત, સાત ઘાયલ
દુર્ઘટનાનો ભોગ બનેલા આ બન્ને યુવકો પરપ્રાંતીય મજૂર હોવાની વિગતો જાણવા મળી હતી. જો કે આ અકસ્માતની ઘટનામાં રોડની બાજુમાં જ ઉભેલી બે મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. જયારે બન્ને મજુરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી પરંતુ એમ્બ્યુલન્સની ટક્કર એટલી જોરદાર હતી કે યુવકો ફંગોળાઈને દૂર સુધી પટકાયા હતા.
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. અપ્રિલ માસમાં સાણોદર ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કારને આગળ જઈ રહેલી બીજી કારને ટક્કર મારતા ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના પરિણામે કાર પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે યુવાનોના ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યા હતા, જ્યારે એક બાળક અને બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.