
ભાવનગરઃ ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. મેઘમહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. અતિ ભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને બુધવારે (18 જૂન) શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
જિલ્લા કલેક્ટરે શું કહ્યું?
ભાવનગરના જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલે માહિતી આપી હતી કે, ભાવનગરમાં અતિશય વરસાદના લીધે 18 જૂન 2025ના દિવસે તમામ શાળાઓમાં (જેમાંપ્રી-પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીનો સમાવેશ થાય છે) રજા જાહેર કરવામાં આવે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને તમામ શાળા બંધ રાખવાની અપીલ છે. આ નિર્દેશ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે.
ગુજરાતમાં 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, બુધવારે (18 જૂન) પણ ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહિસાગર, દાહોદ, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણ, તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, દીવ, અમરેલી અને ભાવગનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય 15 જિલ્લામાં યેલોએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
અંબાલાલ પટેલની શું છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, આગામી 36 કલાકમાં અરબ સાગરની સિસ્ટમ મજબૂત થવાની શક્યતા છે. જેના લીધે સુરત, નવસારી, ભરૂચ, તાપી, રાજપીપળા, ખંભાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત આગામી 36 કલાકમાં વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય મહેસાણા, કડી, કલોલ, વિરમગામ, સાણંદ જેવા વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાંચો….વડોદરામાં વરસાદની શરૂઆત સાથે જ જમીન ધસી પડી, વાહનો ખૂપ્યા