ભાવનગરમાં કથળતી કાયદો-વ્યવસ્થા સામે 'આપ'નું પ્રદર્શન: કાયદાની 'નનામી' કાઢી વિરોધ...

ભાવનગરમાં કથળતી કાયદો-વ્યવસ્થા સામે ‘આપ’નું પ્રદર્શન: કાયદાની ‘નનામી’ કાઢી વિરોધ…

6 મહિનામાં જ 18 જેટલા લોકોની હત્યા, વિવિધ ગુનામાં 1,400થી વધુ પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર
: ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સામે પ્રશ્નો ઊભા થાય તેવો ગુનાહિત કૃત્યનો સિલસિલો યથાવત રહ્યો હતો. કારણ કે શહેરમાં છેલ્લા છ મહિનામાં 18 જેટલા લોકોની હત્યા થઇ છે તેમ જ પોલીસે ૧,૪૧૫ આરોપીની જુદા જુદા હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી હતી.

શહેરની કથળતી કાયદો વ્યવસ્થા વિરુદ્ધ આમ આદમી પાર્ટી (આપ)ના ભાવનગર શહેરના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા કાયદા કાનૂનની નનામી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં ટાઉન હોલથી ઠાઠડી કાઢવામાં આવી હતી, અને આ વિરોધ પ્રદર્શન ઘોઘા ગેટ પહોચે તે પહેલા જ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.

મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરમાં છેલ્લા બે વર્ષના સમયગાળાથી અનેક ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થઇ રહ્યો હોય. દારુના ખુલ્લેઆમ વેચાણ, મારામારી, હત્યા જેવા અનેક ગુનાહિત કૃત્યોનો સિલસિલો યથાવત રહ્યો હતો. છેલ્લા છ મહિનામાં જ 18 જેટલા લોકોની હત્યા થઇ હતી.

હત્યાના બનાવોની વિગતવાર વાત કરીએ તો તાજેતરમાં જ શહેરમાં સવારના સમયે મજુરીએ જઇ રહેલા વૃદ્ધને રોકીને એક દારૂડીયાએ વૃદ્ધ પાસે દારૂ પિવા માટે રૂપિયાની માંગણી કરી હતી. જો કે વૃદ્ધ પાસેથી રૂપિયા ન મળી શકતા આરોપીએ વૃદ્ધને આડેધડ છરીના ઘા ઝીંકીને રોડ ઉપર દોડાવ્યા હતા, તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

મળતી વિગતો અનુસાર કરચલિયા પરા નજીક રહેતા છનાભાઇ ગોરધનભાઇ ગોહેલ (ઉ.વ.62) ઘરેથી સાયકલ લઇ મજુરી જઇ રહ્યા હતા. તે સમયે સુભાષનગર સ્મશાન પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના પાસે ડેવીડ મનસુખભાઇ બારૈયા નામના દારૂડિયાએ દારૂ પી છનાભાઇને ઊભા રાખ્યા હતા.

દારૂ પીવા માટે રૂપિયાની ઉઘરાણી કરી હતી જે આપવાની છનાભાઇએ ના પાડી દેતા દારૂડિયાએ સરાજાહેર ગળા તેમજ હાથના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા અને તેનો પ્રતિકાર કરી છનાભાઇ રોડ ઉપર દોડ્યા હતા તો દારૂડિયાએ તેની હત્યા કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. છનાભાઇને સર ટી. હોસ્પિટલમાં ખસેડાતા મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો…સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAPનો એકલા ચલો રેનો નાદ કે રણનીતિ? કોંગ્રેસને શા માટે નકારી?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button