ભાવનગરમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતઃ અમરેલીના બાબરાના એક જ પરિવારના પરિવારના ત્રણ લોકોનાં મૃત્યુ…

ભાવનગરઃ જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપર ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. આધેડનું ઘટના સ્થળે અને અન્ય બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા.
કેવી રીતે બની ઘટના
અમરેલી જિલ્લાના બાબરા ગામમાં રહેતા જય બોરસાણિયા અને તેમના પત્ની એકતા બોરસાણીયા અને દાદા ભુપત બોરસાણિયા તેમજ જયભાઈના ભાઈ ધ્રુવભાઈ જિતેન્દ્રકુમાર બોરસાણિયા અને તેમના પત્ની દૃષ્ટિબેન બે અલગ અલગ કાર લઈને અમદાવાદથી બાબરા જવા માટે નીકળ્યા હતા. દરમિયાન વલભીપુરના કાનપર ગામ નજીક પહોંચ્યા હતા ત્યારે કાનપર ગામ પહેલા નાળા ઉપર વલભીપુર તરફથી આવી રહેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા કારમાં જઈ રહેલા જયભાઈ, તેમના પત્ની એકતાબેન અને દાદા ભૂપતભાઈને ગંભીર ઇજા થઈ હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ભુપતભાઈ (ઉં.વ. 80)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અન્ય બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો
અકસ્માત સર્જી ટ્રક બનાવ સ્થળે મૂકી તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે પરિવારના સભ્યોનો સંપર્ક કરી ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.
આપણ વાંચો : ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના, સિનિયર ડોક્ટરોએ અપહરણ કર્યું ને પછી…