ભાવનગરમાં માતાનાં કથિત પ્રેમસંબંધે 17 વર્ષીય સગીરનો જીવ લીધો

અમદાવાદઃ ભાવનગર જિલ્લામાં બનેલી એક ઘટનામાં માતાના કથિત પ્રેમસંબંધનો ભોગ 17 વર્ષીય કિશોર બન્યો હતો. જિલ્લાના મહુવામાં આવેલી માલણ નદીના કિનારે કૂવામાંથી એક સગીરની લાશ મળી આવી હતી. આ કેસમાં ફરિયાદ બાદ પોલીસ તપાસ થતાં હાલમાં માતાના પ્રેમીએ હત્યા કર્યાનું જણાઈ રહ્યું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
મહુવામાં રહેતો 17 વર્ષીય ઉવેશ સલીમભાઈ કાળવાતર બે દિવસથી ઘરે આવ્યો ન હતો. ઉવેશના પરિવારે મહુવા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા કૂવામાંથી ઉવેશની દોરી બાંધેલી લાશ મળી આવી હતી. લાશ બહાર કાઢી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: Crime News: માતાને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પુત્ર ને પછી થયો આવો કાંડ, જાણો વિગત
દરમિયાન ઉવેશના કાકા ઈરફાનભાઈ ઉસ્માનભાઈ કાળવતારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવી હતી કે ઉવેશના માતા સમીરાબેનનો હસન શબ્બીર સલાટ સાથે પ્રેમસંબંધ હતો, જેનાથી ઉવેશ નારાજ હતો અને હસન શબ્બીર સાથે તેની તકરારો પણ થતી હતી. આ સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરતા શબ્બીર ઉવેશને લઈ ભાદ્રોડના ઝાપા પાસેથી બાઈકમાં પસાર થતો સીસીટીવીમાં ઝડપાયો હતો. મૃતકને માથાના ભાઈ ઈજા કરી તેની લાશ કૂવામાં ફેંકી દીધી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ઉવેશ એક કાપડની દુકાનમાં કામ કરી પોતાના પૂરતો કમાતો હતો. આવા યુવાન દીકરીનું આ રીતે મોત થતાં પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. પોલીસે હસન શબ્બીરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



