અમરેલી

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના સાવરકુંડલામાં કેમ લાગ્યા બેનર? જાણો વિગત

અમરેલીઃ ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ અમરેલી રાજકીય એપી સેન્ટર બન્યું હોય તેમ લાગે છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે સરકાર સામે મોરચો માંડ્યો છે. આ દરમિયાન સાવરકુંડલામાં વિવાદાસ્પદ પોસ્ટર લાગ્યા છે.

સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના નામે લગાવવામાં આવેલા પોસ્ટમાં ખેડૂતનું સાચું દર્દ સમજવા બદલ આભાર, ખેડૂતોની વેદનાને વાચા આપી દેવા માફી માટે રજૂઆત કરવા બદલ સુરત (વરાછા)ના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી (કુમાર)નો ખૂબ ખૂબ આભાર… ખેડૂત પરિવાર સાવરરકુંડલા તેમ લખવામાં આવ્યું છે. આ બેનર કોણે અને શું કામ લગાવ્યા તે જાણી શકાયું નથી. જોકે આ બેનરને લઈ સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કુમાર કાનાણીએ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચાઓ બંધ કરી ખેડૂતોને દેવા મુક્ત કરી શકાય તેમ જણાવ્યું હતું. આ પોસ્ટર હટાવવા કે નહીં તેને લઈ સાવરકુંડલામાં અસમંજસ છે. બેનર હટાવવાથી પણ વિવાદ થઈ શકે છે અને ન હટાવવામાં આવે તો પણ વિવાદ થવાની શક્યતા છે.

રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના વળતર મુદ્દે અમરેલી કૉંગ્રેસ દ્વારા ખેડૂત સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી હતી. ગઈકાલે અમરેલી કૉંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે આકરા પ્રહાર કર્યા હતા.કૉંગ્રેસના નેતાઓ અને ખેડૂતોએ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે મામલતદારને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગણી કરી હતી. આ સમયે પરેશ ધાનાણીએ કપાસ અને મગફળીના ટોપલા મામલતદારને અર્પણ કરીને ખેડૂતોના ‘કર્મ ફૂટ્યા’ હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો…કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન બદલ કૉંગ્રેસે ખેતી બચાવો સત્યાગ્રહ શરૂ કર્યોઃ ધાનાણી-દુધાતના પ્રહાર

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button