Top Newsઅમરેલી

સૌરાષ્ટ્રના કયા પૂર્વ સાંસદે અધિકારીઓ પર કંટ્રોલ જરૂરી હોવાનું કહ્યું? ઈટાલીયાને લઈ કહી આ વાત

અમરેલીઃ ગુજરાત સરકાર લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવીને શહેર-ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા પેરીસ થઈ જશે તેવી ડીંગો હાંકે છે. ત્યારે બીજી તરફ ભાજપના પૂર્વ સાંસદે રોડ રસ્તાના કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કર્યો છે. પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ સરકાર પર નિશાન તાકતાં કહ્યું કે, ‘એક રૂપિયાનો ખર્ચ દેખાડાય છે પણ કામ તો માત્ર 30 પૈસાનું જ થાય છે. આ પરથી કેટલી હદે ખાયકી કરવામાં આવી રહી છે તેનો અંદાજ આવી શકે તેમ છે. અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ આક્રોશ ઠાલવતા કહ્યું, રોડ રસ્તાના કામમાં અધિકારીઓની લાલીયાવાડી ચાલે છે. તેમના પર કંટ્રોલ જરૂરી છે.

અમરેલીથી સુરત જવું હોય તો 18 કલાક થાય

નારણ કાછડીયાએ આક્ષેપ કર્યો છે કે, રાજ્યમાં રોડ રસ્તા બનાવવામાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. ભ્રષ્ટ રાજકારણીઓ અને કોન્ટ્રાકટરોની મીલીભગતને લીધે આ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં રસ્તાની એવી દુર્દશા થઈ છે કે, લોકો રેલવેની મુસાફરી કરવા મજબૂર થયાં છે. તેમણે ઉદાહરણ ટાંક્યું કે, અમરેલીથી સુરત જવું હોય તો 18 કલાક થાય છે.

આ ઉપરાંત ગોપાલ ઈટાલીયાને લઈ તેમણે કહ્યું, ગોપાલ ઈટાલીયાની જીતથી સૌરાષ્ટ્રમાં કોઈ ફેર નહીં પડે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ અમરેલી જિલ્લામાં રોડ રસ્તા બનાવવાને લઈ થયેલા ભ્રષ્ટાચારની પોલ સ્થાનિક નેતાએ જ ખોલી હતી. અમરેલી ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હહિરપરાએ બિસ્માર રોડ વિશે સરકારને ફરિયાદ કરી હતી અને ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા હતા. તેમણે પત્ર લખીને કહ્યું, અમરેલી જિલ્લામાં આવેલા નેશનલ હાઇવે અતિ ખરાબ હાલતમાં છે. આ જિલ્લામાં બનતા નવા ડામર રોડ કે રી-કાર્પેટ રોડમાં કાયમી ગુણવત્તાનો અભાવ રહ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર કાળી કમાણી કરીને પ્રજાને રોડ-રસ્તા બાબતે કાયમી પરેશાન કરે છે. અમરેલી જિલ્લામાં આવેલા સ્ટેટ હાઇવે અને જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગના નવા બનાત રોડ કે રી-કાર્પેટ ડામરના સેમ્પલ થર્ડ પાર્ટી કે ગેરી લેબમાં ફેઇલ થયા હોય તેવો કોઈ દાખલો બન્યો નથી.

વર્તમાન સમયમાં નીચેના હાઇવે વાહન – ચાલકો માટે માથાનો દુખાવો સમાન બન્યો તો, સત્વરે પેચ કામ અને રી – કાર્પેટ થાય જેમાં રાજુલા થી સાવરકુંડલા સ્ટેટ હાઇવે, સાવરકુંડલા થી અમરેલી હાઈવે, સાવરકુંડલા થી નેસડી સુધી ચલાલા સ્ટેટ હાઈવે, અમરેલી થી બગસરા સ્ટેટ હાઇવે, ચલાલા થી બગસરા સ્ટેટ હાઈવે, અમરેલી થી બાબરા નેશનલ હાઈવે, બગસરા ના માણેકવાડા થી બીલખા રોડ અમરેલીની હદ સુધ ના તમામ રોડ રીપેરીંગ અને નવા બનાવવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો…શહેરી માળખાકીય સુવિધાઓની જાળવણી સામૂહિક જવાબદારી છેઃ મુખ્ય પ્રધાન

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button