અમરેલીના રાજુલામાં 25 દિવસથી ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, પત્ની સાથેના આડાસંબંધમાં ખેલાયો ખૂની ખેલ

અમરેલીઃ જિલ્લાના રાજુલામાં 25 દિવસથી ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પત્ની સાથેના આડાસંબંધમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. મળતી વિગત અનુસાર, સુરેશભાઈ કરશનભાઇ સભાડીયા છેલ્લા 20-25 દિવસથી ગુમ હતા. આ અંગે તેમના પરિવારજન લાલજીભાઈ સભાડીયાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
કેવી રીતે થયો હત્યાનો ઘટસ્ફોટ
ફરિયાદના આધારે રાજુલા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ-અલગ મુદાઓ પર ઊંડાણપૂર્વક તપાસ કરતા રાજદીપસિહ રાઠોડ નામના શખ્સ પર શંકા ગઈ હતી. પોલીસે રાજદીપસિહને શંકાસ્પદ જણાતા તેની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની આકરી પૂછપરછ દરમિયાન રાજદીપસિહ ભાંગી પડ્યો હતો અને તેણે જ સુરેશભાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી. આરોપીએ કબૂલ્યું હતું કે, મૃતક સુરેશભાઈને તેની પત્ની સાથે આડા સંબંધ હતા, જેની અદાવત રાખીને તેણે આ હત્યાને અંજામ આપ્યો હતો.
રાજુલા પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી હત્યા કરવામાં આવી હોવાનો પર્દાફાશ કર્યો હતો અને આરોપીને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આપણ વાંચો: ગુજરાત હાઇ કોર્ટે બુટલેગર વિજુ સિંધીને આપ્યો ઝટકો, દુબઈથી પ્રત્યાર્પણનો માર્ગ થયો મોકળો



