અમરેલીની સ્કૂલમાં શરમજનક ઘટના: શિક્ષકો ગેરહાજર રહેતા ગામવાસીઓએ ફરકાવ્યો તિરંગો! | મુંબઈ સમાચાર
અમરેલી

અમરેલીની સ્કૂલમાં શરમજનક ઘટના: શિક્ષકો ગેરહાજર રહેતા ગામવાસીઓએ ફરકાવ્યો તિરંગો!

અમરેલી: દેશમાં આઝાદીના ૭૯માં પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દેશની રાજધાનીથી લઈને નાના ગામડા સુધી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.

જો કે આ દરમિયાન અમરેલી જિલ્લામાંથી ચોંકાવનારી ઘટનાં સામે આવી હતી. જેમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં હોવા છતાં પ્રાથમિક શાળામાં એક પણ શિક્ષક હાજર નહીં રહેતાં તંત્ર દ્વારા શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર આ કિસ્સો અમરેલીના સાવર કુંડલા તાલુકાના પીપરડી ગામનો છે. અહી ગામની શાળામાં સ્વાતંત્ર્ય પર્વના દિવસની ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ તો સમયસર પહોંચી ગયા પરંતુ શાળાના શિક્ષકો જ ગેરહાજર રહ્યા હતાં. જેના કારણે શાળાના વિદ્યાર્થીઓએ શાળાએથી પાછા ઘરે પરત ફરવું પડ્યું હતું.

આપણ વાંચો: મોદી સરકારની સ્વાતંત્ર્ય દિનની પોસ્ટમાં સરદાર-નહેરૂની બાદબાકી, સાવરકરને સ્થાન

જો કે બાદમાં ગામના આગેવાનો શાળાએ પહોંચ્યા હતાં અને આ દરમિયાન કોઈ શિક્ષક હાજર ન જણાતા છેક બપોરે 11 વાગ્યે ગામલોકોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રગીત ગાઈને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. ગામલોકોએ જણાવ્યું હતું કે આઝાદી બાદ આવું પહેલીવાર બન્યું છે કે જયારે શિક્ષકોની ગેરહાજરીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હોઈ.

આ ઘટના બાદ શાળાના શિક્ષકોની બેદરકારી સામે પ્રશ્નો ઉઠ્યા હતાં. ગામના આગેવાનોએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. જો કે બાદમાં આ ઘટનાની તંત્રએ પણ ગંભીર નોધ લીધી હતી અને સ્વાતંત્ર્ય પર્વ પર જ ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 4થી વધુ શિક્ષકોને નોટિસ મોકલવામાં આવી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button