બાબરામાં શિક્ષણ જગતને કલંક: શિક્ષકે વિદ્યાર્થી સાથે જાતીય અડપલાં કરતાં ફરિયાદ નોંધાઈ

બાબરા: અમરેલી જિલ્લાના બાબરાના કોટડાપીઠા ગામે આવેલા રિદ્ધિ સિદ્ધિ સંકુલમાં શિક્ષકના રૂપમાં વધુ એક હેવાન સામે આવ્યો હતો. શિક્ષકે સગીર વિદ્યાર્થી સાથે અશ્લીલ હરકત કરતાં ચકચાર મચી ગઈ હતી.
વિદ્યાર્થીના માતાએ શિક્ષક શૈલેષભાઈ ખુંટ સામે ફરિયાદ નોંધાવી હતી. રિદ્ધિ સિદ્ધિ સંકુલ નામની શાળાના શિક્ષક સામે પોતાના જ સગીર વિદ્યાર્થી સાથે જાતીય અડપલાં કરવાનો આરોપ લાગ્યો હતો. ભોગ બનનાર ધોરણ-૭માં અભ્યાસ કરે છે.
આપણ વાંચો: CSMT જતી લોકલ ટ્રેનના મહિલાઓના કોચમાં અશ્લીલ હરકત કરનારા સામે ગુનો નોંધાયો
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આરોપી શિક્ષક પીડિત વિદ્યાર્થી સગીર હોવાનું જાણતા હોવા છતાં તેને શાળાના કમ્પ્યુટર લેબ, શાળાની પાછળના ભાગે આવેલા વાડા, અગાસી, જૂના બાથરૂમ અને પોતાના બેડરૂમ જેવી એકાંત જગ્યાએ લઈ જઈ અડપલાં કર્યા હતા.
આરોપીએ સગીર સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું હતું. આ ગંભીર બાબતની જાણ થતાં જ વિદ્યાર્થીના વાલીએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી શિક્ષક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.