વિદ્યાર્થીઓને હતાશામાંથી બહાર કાઢતાં શિક્ષિકાએ આત્મહત્યા કરી લેતા ચકચાર

અમરેલી: સૌરાષ્ટ્રના ઉનામાં એક ખૂબ જ દુઃખદ બનાવ બન્યો હતો. અહીંના જાફરાબાદની સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 30 વર્ષીય મહિલા કાજલ તેજાભાઈ વાઢેર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. મહત્વની વાત તો એ છે કે કાજલબેન મનોવિજ્ઞાનના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્ર ભણાવતા હતા.
સ્કૂલમાં જો કોઈ વિદ્યાર્થી હિંમત હારે કે કોઈ કારણોસર હતાશ થઈ જાય તો તેમને હિંમત આપવા, તેમનું કાઉન્સેલિંગ કરવાનું કામ કાજલબેન કરતાં હતાં ત્યારે તેમણે આ રીતે મોત વ્હાલું કરતા સૌને આશ્ચર્ય સાથે આઘાત લાગ્યો છે.
મૂળ નવાબંદરના વતની કાજલબેન પાંચેક માસ પહેલા જાફરાબાદની સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાયા હતા. તેઓ પરિવાર સાથે રહેતા હતા. સવારે વહેલા તેમણે પોતાના ઘરના રસોડામાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેમના માતાએ સવારે ઊઠી આ જોતા ચીસો પાડી હતી. ત્યારબાદ તેમના પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. જોકે કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવી ન હતી. તેમણે ક્યા કારણસર આવું પગલું ભર્યું તે જાણી શકાયું ન હતી.
આ પણ વાંચો…સુરતમાં 28 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટની આત્મહત્યા: લગ્નના બે મહિના પહેલાં ડોક્ટરે નવમા માળેથી ઝંપલાવ્યું



