અમરેલીમાં વધુ એક સિંહણનું શંકાસ્પદ મૃત્યુ: વન વિભાગે ‘શિકાર’ની કલમ હેઠળ ગુનો નોંધ્યો

અમરેલી: તાજેતરમાં જ ગીરમાં સિંહના થઈ રહેલા મોતનો મામલો વિધાનસભામાં પણ ગુંજ્યો હતો, ત્યારે અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં બે દિવસ પહેલા મળી આવેલી એક સિંહણની લાશના શંકાસ્પદ મૃત્યુના સંબંધમાં વન વિભાગે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સિંહણની લાશ ગુરુવારે જિલ્લાના મોટા કાંકોટ ગામના મહેસૂલી વિસ્તારમાંથી મળી આવી હતી.
અમરેલીના મદદનીશ વન સંરક્ષક (ACF) વિરસિંહ ચાવડાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને લાશને નજીકના એનિમલ રેસ્ક્યુ સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તેમણે આગળ વાત કરતાં કહ્યું હતું કે, “પ્રાથમિક દ્રષ્ટિએ, ૩ થી ૪ વર્ષની વયની આ સિંહણનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હોય તેવું જણાય છે. ત્યારબાદ બે વેટરનરી અધિકારીઓની હાજરીમાં લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.”
લીલીયા રેન્જ ફોરેસ્ટ દ્વારા વન્યજીવ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ, જેમાં શિકાર સંબંધિત કલમનો પણ સમાવેશ થાય છે, ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વન વિભાગનો સ્ટાફ સિંહણની લાશ મળી આવી હતી તે વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે સઘન સ્કેનિંગ અને તપાસ કરી રહ્યો છે.
ગીરએ એશિયાઈ સિંહો માટેનું એકમાત્ર નિવાસસ્થાન હોય એશિયાઈ સિંહોના અસ્તિત્વ માટે સિંહોના મૃત્યુનો પ્રશ્ન ખૂબ જ ગંભીર ગણાઈ. ત્યારે ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, વિમલ ચુડાસમા તેમજ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા સિંહોના મોત મામલે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં કુલ 166 સિંહોના મૃત્યુ થયા છે. સરકારે ખુદ સ્વીકાર્યું હતું કે ઓગષ્ટ 2023થી જુલાઇ 2024 સુધીમાં 141 મૃત્યુ થયા હતા. જ્યારે ઓગષ્ટ 2024થી જુલાઇ 2025 સુધીમાં આ મોતનો આંકડો 166 સુધી પહોંચી ગયો હતો, ગયા વર્ષની સરખામણીએ 25 સિંહોના મૃત્યુ વધારે છે.
છેલ્લા એક વર્ષમાં 81 સિંહોના મૃત્યુ બીમારીને કારણે થયા હતા. આંતરિક લડાઈને કારણે 36 સિંહોના મોત, વૃદ્ધાવસ્થા-કુદરતી રીતે 27 સિંહોના મૃત્યુ, માર્ગ અકસ્માતને કારણે 1 સિંહનું મૃત્યુ, ઇલેક્ટ્રિક શોકને કારણે 2 સિંહોના મૃત્યુ, અકસ્માતે કૂવામાં પડી જવાથી 13 સિંહોના મૃત્યુ જ્યારે અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી 6 સિંહોના મૃત્યુ થયા હતા. આમ એક વર્ષમાં 166 સિંહોના મૃત્યુ થયા હતા, જેમાંથી 22 સિંહોના અકસ્માતે મૃત્યુ થયા હતા.
અમરેલીમાં 6 મહિનામાં 17 સિંહોના મૃત્યુ
કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે જુલાઇ 2025 સુધીમાં અમરેલી જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં 14 સિંહબાળ અને 17 સિંહોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં મલ્ટિપલ ઓર્ગન ફેકીયરને કારણે 5 સિંહબાળ અને 6 સિંહના મૃત્યુ થયા હતા. ન્યુમોનિયા એનીમિયા, એનોકસિયાના કારણે 5 સિંહબાળના મૃત્યુ તેમજ ન્યુમોનિયા એનીમિયા, એનોકસિયા અને સેપ્ટેસિમિયાનાં કારણે 4 સિંહોના મૃત્યુ થયા છે. શ્વસન, યકૃત અને મૂત્રપિંડની નિષ્ફળતાના કારણે 2 સિંહબાળ અને 4 સિંહના મૃત્યુ થયા હતા. કરોડરજ્જુમાં ઇજા પહોંચતા આઘાતથી તેમજ એનાપ્લાસમોસિસના કારણે 1-1 સિંહબાળનુ મૃત્યુ થયુ હોવાનુ સામે આવ્યું હતુ
તકેદારીના ભાગરૂપે સરકારે કેટલા ખર્ચ્યા?
સરકારે જણાવ્યું હતું કે સિંહોના કુદરતી મૃત્યુના કિસ્સામાં તકેદારીના ભાગરૂપે સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાં બાબતે છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. 3735.6 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઓગષ્ટ 2023થી જુલાઇ 2024 સુધીમાં સરકારે રૂ. 2035.29 અને ઓગષ્ટ 2024થી જુલાઇ 2025 સુધીમાં રૂ. 1700.31નો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.