અમરેલીના દામનગરને તાલુકો બનાવવા મુખ્ય પ્રધાનને રજૂઆત કરવામાં આવી…

ગાંધીનગરઃ વાવ-થરાદને અલગ તાલુકો બનાવવામાં આવ્યા બાદ રાજ્યના કેટલાક જિલ્લામાંથી આવી માંગ ઉઠવા લાગી છે. અમરેલી જિલ્લાના દામનગર પંથકને અલગ તાલુકો આપવાની માંગ ઉઠી હતી. હાલમાં દામનગર વિસ્તાર લાઠી તાલુકામાં આવે છે ત્યારે સ્થાનિક આગેવાનો ધારાસભ્ય મુખ્ય પ્રધાનને મળ્યા હતા અને દામનગર પંથકને અલગ તાલુકા તરીકે માન્યતા આપવા માંગણી કરી હતી.
ધારાસભ્ય જનકભાઇ તળાવીયા, દામનગર શહેર અને સુરત ખાતે વસતા દામનગરના આગેવાનો તથા વિવિધ સંગઠનના કાર્યકર્તાઓએ એક જૂથ થઈને દામનગરને નવો તાલુકો બનાવવાની માંગણી સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી. વર્તમાનમાં દામનગર લાઠી તાલુકાનો એક ભાગ છે, પરંતુ તેના ભૌગોલિક અંતર અને વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો દ્વારા ઘણા સમયથી સ્વતંત્ર તાલુકાની રચનાની માંગ કરવામાં આવી હતી.
આગેવાનોએ મુખ્ય પ્રધાનને આપેલા પત્રમાં જણાવ્યું હતું કે દામનગર તાલુકો બને તો આ વિસ્તારના લોકોને વહીવટી કામો માટે દૂર સુધી જવું નહીં પડે અને સ્થાનિક વિકાસ કાર્યોને પણ વેગ મળશે. સુરતમાં વસતા મૂળ દામનગરના લોકોએ પણ આ માંગને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. મુખ્ય પ્રધાને આ રજૂઆતને ધ્યાનથી સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.