કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન બદલ કૉંગ્રેસે ખેતી બચાવો સત્યાગ્રહ શરૂ કર્યોઃ ધાનાણી-દુધાતના પ્રહાર

અમરેલીઃ રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના વળતર મુદ્દે અમરેલી કૉંગ્રેસ દ્વારા ખેડૂત સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અમરેલી કૉંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે આકરા પ્રહાર કર્યા હતા.કૉંગ્રેસના નેતાઓ અને ખેડૂતોએ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.
ત્યાં તેમણે મામલતદારને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગણી કરી હતી. આ સમયે પરેશ ધાનાણીએ કપાસ અને મગફળીના ટોપલા મામલતદારને અર્પણ કરીને ખેડૂતોના ‘કર્મ ફૂટ્યા’ હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો.
આપણ વાચો: ખેડૂતો માટે કામના સમાચારઃ રાજ્યમાં કમોસમી વરસાદથી કૃષિ પાકોને થયેલા નુકસાનની સહાય ચૂકવાશે…
પૂર્વ વિપક્ષ નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ કહ્યું, ભીખ નહી, અધિકાર જોઈએ. સરકારના ખોળે બેસવા માટે તમારા ભાવ નક્કી કરો એનો વાંધો નહી, પણ ગુજરાતના ખેડૂતોને બારોબાર ગીરવે મુક્યા તો તમારી ખેર નથી.!
કમોસમી માવઠાની મોકાણથી તમામ પાક ઉપજો સંપુર્ણ નાશ પામી છતાંય પાક નુકસાનીના વળતર પેટે જો માત્ર રૂ. 8,000 જેટલી સરકારી ભીખ ચૂકવાય તોય, દાદાના દરબારમા ઉઘાડા પગે હાલીને મુજરો કરવાની “આપ” ની જાહેરાત.! શું આપ અને બાપે ભેગા મળીને ખુદ જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહેલા જગતના તાતને જ બારોબાર ગીરવે મુકવાનુ ષડયંત્ર રચ્યું છે? મને વિશ્વાસ છે કે ગુજરાતનો ખેડુ કોઈ નેય કુલડીમાં ગોળ ભાંગવા નહી દે..!
અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભાજપના ધારાસભ્યને અભિનંદન પાઠવ્યા હતા. દુધાતે સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને કમોસમી માવઠાથી પીડિત ખેડૂતો માટે સરકારમાં પત્ર પાઠવવા બદલ બિરદાવ્યા હતા.
આપણ વાચો: કચ્છઃ માવઠાને લીધે ઇસબગુલ, કપાસ અને જીરું સહિતના પાકમાં ભારે નુકસાનીની ભીતિ
તેમણે કહ્યું, કુમાર કાનાણીના માતાપિતાને લાખ લાખ વંદન.આ ભાજપ કૉંગ્રેસની વાત નથી, આ ખેડૂતોને બચાવવાની વાત છે, માટે કુમાર કાનાણીને દિલથી અભિનંદન આપું છું.
""ભીખ નહી, અધિકાર જોઈએ""
— Paresh Dhanani (@paresh_dhanani) November 3, 2025
સરકારના ખોળે બેસવા માટે તમારા
ભાવ નક્કી કરો એનો વાંધો નહી,
પણ ગુજરાતના ખેડૂતોને બારોબાર
ગીરવે મુક્યા તો તમારી ખેર નથી.!
કમોસમી માવઠાની મોકાણથી તમામ
પાક ઉપજો સંપુર્ણ નાશ પામી છતાંય
પાક નુકસાનીના વળતર પેટે જો માત્ર
રૂ. 8,000/- જેટલી સરકારી ભીખ
ચૂકવાય… pic.twitter.com/N4Dk6d3QoR
દુધાતે વધુમાં જણાવ્યું કે, મનમોહનની સરકારમાં કપાસના ભાવ 1400 રુપિયા હતા, શીંગના ભાવ 900 રુપિયા હતા. સોયાબીનના ભાવ વર્ષ 2014માં હતા, ત્યારે ખાતરનો શું ભાવ હતો? ત્યારે બિયારણ કે ટ્રેક્ટરનો શું ભાવ હતો?
એ ભાવ અને આજનો ભાવ કમ્પેર કરજો એટલે ખેડૂતોની વેદના સમજાશે. ખેડૂતોના ઉત્પાદનનો ભાવ વધુ મળતો હતો ને સામે બિયારણ કે અન્ય વસ્તુંનો ભાવ ઓછો હતો અને એની સામે આજે ઉલ્ટું થઇ ગયું છે. ખેડૂતોના ઉત્પાદનનો ભાવ ઘટતો જાય છે અને સામે ખાતરના ભાવ વધતા જાય છે.
 


