સાવરકુંડલામાં સંબંધો લજવાયા, માનસિક અસ્થિર યુવતી પર કુટુંબી ભત્રીજાએ દુષ્કર્મ આચર્યું

અમરેલીઃ સાવરકુંડલા પંથકમાં માનવતા અને સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી હતી. વાડી વિસ્તારમાં રહેતી એક ૨૧ વર્ષીય માનસિક અસ્થિર યુવતીની લાચારીનો લાભ લઈ, તેના જ કુટુંબી ભત્રીજાએ દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયદ્રાવક ફરિયાદ નોંધાઈ હતી. આ હેવાનિયતને કારણે પીડિતાને ૧૧ અઠવાડિયાનો ગર્ભ રહી ગયો હોવાનો પણ ખુલાસો થયો હતો.
બનાવ અંગે પીડિતાની માતાએ ભોકરવા ગામે વાડી વિસ્તારમાં રહેતા રાજુભાઇ ડોસલભાઇ ભમ્મર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદીની ૨૧ વર્ષની દીકરી માનસિક રીતે અસ્થિર છે. તેમના કુટુંબી ભત્રીજો થતો આરોપી અવારનવાર યુવતીની આ લાચારી અને માનસિક સ્થિતિનો ગેરલાભ ઉઠાવતો હતો.
સંબંધમાં ભત્રીજો થતા આ શખ્સે પવિત્ર સંબંધોને નેવે મૂકી યુવતી પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીના શરીરમાં થયેલા ફેરફારોને પગલે જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે તે ગર્ભવતી છે. તબીબી પરીક્ષણ દરમિયાન પીડિતાને ૧૧ અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.
અંતે, આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સાવરકુંડલા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. એક તરફ સરકાર સ્ત્રી સુરક્ષાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ ઘરના જ સભ્યો દ્વારા આચરવામાં આવતા આવા કૃત્યો સમાજ માટે ચિંતાનો વિષય બન્યા હતા.



