ટ્રમ્પના ટેરિફ સામે ગુજરાતમાંથી ઊઠ્યો વિરોધ: અમેરિકન વસ્તુઓની કરવામાં આવી હોળી

અમરેલી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઝીંકવામાં આવેલા ટેરીફનો મુદ્દો ચર્ચામાં છે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે અમેરિકાએ વધારાના 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. જો કે ટ્રમ્પના ટેરિફ વધારાના નિર્ણય સામે ગુજરાતમાં વિરોધ શરુ થયો છે. અમરેલીમાં ભાજપના જ નેતાઓએ ટ્રમ્પનાં ટેરિફ વધારા સામે વિરોધ નોંધાવવા માટે અમેરિકન વસ્તુઓની હોળી કરી હતી. ભાજપના નેતા દિલીપ સાંઘાણીએ અમેરિકન બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરવા લોકોને આહવાન કર્યું હતું.
મળતી વિગતો અનુસાર અમેરિકા દ્વારા ઝીંકવામાં આવેલા ટેરિફ વધારાની સામે અમરેલીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભાજપનાં નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણી સહિતના આગેવાનોએ અમરેલીમાં તિરંગા યાત્રા દરમિયાન અમેરિકાના ટેરિફનાં વધારા સામે વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય જન પરિષદની આગેવાનીમાં રેલી કાઢીને અમરેલીના રાજકમલ ચોક ખાતે અમેરિકન વસ્તુઓની હોળી કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. લોકોને અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ટ્રમ્પનો ભારત ‘વિરોધી’ નિર્ણય: અમેરિકન સેનેટરે જ કરી આકરી ટીકા
ભાજપના નેતા દિલીપ સંઘાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે દેશમાં આઝાદી સમયે વિદેશી માલની હોળી કરવામાં આવતી હતી, તે મુજબના જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
તેમણે આગળ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જ્યારે રાષ્ટ્ર પર જે જે પ્રકારની આફત આવે ત્યારે પોતાની શક્તિ અને ભક્તિ બતાવીને ભારતને અડીખમ રાખ્યું છે. લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે અમેરિકા અનાજ આપવામાં પણ ખચકાટ કરતું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત જે રીતે સંરક્ષણના ક્ષેત્રમાં સક્ષમ બની રહ્યું છે, આથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે, આથી અમેરિકા ટેરિફ વધારીને ભારતને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય, ત્યારે ભારતના નાગરિકો જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટનો વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે તેની જનજાગૃતિ માટે આ કાર્યક્રનું આયોજન કરવામ આવ્યું હતું.