લિલિયા રેન્જમાં ટ્રેનની અડફેટે સિંહના મોતને મામલે કાર્યવાહી : ફોરેસ્ટર કરાયો સસ્પેન્ડ

અમરેલી: અમરેલીના લિલિયા રેન્જમાં ગત 24 જુલાઇના રેલવે ટ્રેક પર પેસેન્જર ટ્રેનની અડફેટે આવી જવાથી સિંહનું મોત થયું હતું. સાવજના મોતથી ગિરવાસીઓ સહિત લોકોમાં ખૂબ જ રોષ વ્યાપ્યો હતો. આ ઘટનાંને પગલે તંત્રએ કામગીરી કરીને ફરજમાં બેદરકારી દાખવીને વન વિભાગ દ્વારા ફૉરેસ્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
અમરેલીના લિલિયા-દામનગર રેલવે ટ્રેક પર મહુવા-સુરત પેસેન્જર ટ્રેનની અડફેટે આવી જવાથી નર સિંહનો મોત થયું હતું. આ ઘટના ગત 24 જુલાઇની છે. આ ઘટના બાદ નાયબ વન સરંક્ષક સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ આદરી હતી. તેમણે રેલવે ટ્રેક ઉપર અલગ અલગ ટ્રેકર્સ, રોજમદાર, ફોરેસ્ટર સહિત કર્મચારીઓની ફરજ અંગે તપાસ કરવામાં આવી હતી અને સાથે જ તમામની કામગીરી અંગે પૂછપરછ કરવામાં આવી હતી. મોનીટરીંગની કામગીરી અંગે પૂછપરછ કરવામાં આવતા ફોરેસ્ટર મહેશ જે.ખાવડીયા દ્વારા સંતોષકારક જવાબ આપી શકતા ન હતા.
આ પણ વાંચો : Kheda ના ઠાસરાના ધુણાદરા ગામે બાથરૂમમાં કરંટ લાગતા ત્રણના મોત
રેલવે ટ્રેક આસપાસ વન્યપ્રાણીની હાજરી હોવા છતાં ફૉરેસ્ટર દ્વારા સ્ટેશન માસ્તરને કોશન ઓર્ડર આપેલ ન હતો અને પરીક્ષેત્ર વન્ય અધિકારીને જાણ પણ કરવામાં આવી ન હતી. વન્યપ્રાણી જૂથનું અવલોકન રાત્રીના કર્યું હોવા છતાં તેની જાણ બનાવ બન્યા બાદ મોડે મોડે કરવામાં આવી હતી. વન્યપ્રાણી સિંહ રેલવે ટ્રેક પર અકસ્માત ન થાય તે માટે પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ નથી. આ મામલે ન્યજીવ શિડયુલ-1ના વન્યપ્રાણી સિંહ સંરક્ષણની કામગીરીમાં બેદરકારી સાબિત થતા ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અપીલ મુજબ 1971ના નિયમ 5(1)કની જોગવાયને ધ્યાને લઇ જૂનાગઢ સીસીએફ આરાધના સાહુ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રેલવે ટ્રેક પર રેલવેની અથડામણથી સિંહોમાં મોત થતાં હોવાના બનાવો બનતા રહે છે. લિલિયા સાવર કુંડલા પીપાવાવ પોર્ટ સુધી અનેક સિંહોના મોત થઈ ચૂક્યા છે. જો કે પ્રથમ વખત વન વિભાગે તેના જ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરીને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરીને દાખલો બેસાડયો છે. રેલવે ટ્રેક પર થઈ રહેલા સિંહોના મોતને લઈને હાઇકોર્ટ પણ સરકારને ફટકાર લગાવી ચૂકી છે, તેમ છતાં સિંહોના મોતનો સિલસિલો અટક્યો નથી.