
અમરેલી: છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોના પાકનો નાશ થયો છે. ખેડૂતો મગફળી, ડાંગર અને કપાસ સહિતના પાક ખરાબ થઈ જતાં જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. આ દરમિયાન અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે 3 નવેમ્બરે ખેડૂતો માટે ધરણા ધરવાની જાહેરાત કરી હતી. તેઓ 3 નવેમ્બરે વડિયા અને બગસરા, 4 નવેમ્બરે ધારીના નાના બસ સ્ટેન્ડ અને ખાંભા, 5 નવેમ્બરે રાજુલા અને જાફરાબાદ, 6 નવેમ્બરે લીલીયા અને સાવરકુંડલા, 7 નવેમ્બરે લાઠી અને બાબરા, 8 નવેમ્બરે અમરેલી શહેરમાં ધરણા ધરશે.આ ઝુંબેશ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે શરૂ થશે.
ખેડૂતો મુદ્દે સાધુ-સંતોએ બોલવું પડશે
પ્રતાપ દૂધાતે ખેડૂતોના પાક નુકસાની અને વળતર અંગે બોલતા કહ્યું, ઉદ્યોગપતિઓ, સાધુ-સંતો આજે કેમ ચૂપ છે ? ખેડૂતો માટે સાધુ-સંતો આગળ આવે, અમૂક ઉદ્યોગપતિઓ સરકારના વચેટિયાઓ બન્યા છે. ખેડૂતો મુદ્દે સાધુ-સંતોએ બોલવું પડશે. સજ્જન માણસો કેમ આજે મૌન છે. કૉંગ્રેસ રાજકારણ નથી કરતી. ભૂતકાળમાં કૉંગ્રેસ સરકારે દેવા માફ કર્યા છે. રાજ્ય સરકારે પણ પાક ધિરાણના દેવા માફ કરવા જોઇએ.
ડિજિટલ સર્વેની પ્રક્રિયા બંધ કરો
તેમણે જણાવ્યું કે છેલ્લા આઠ દિવસથી જિલ્લામાં ભારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન થયું છે. દિવાળીના સમયે જ્યારે ખેડૂતોએ મગફળી કાઢીને ખેતરોમાં પાથરા મૂક્યા હતા, ત્યારે આ કુદરતી આફત આવી હતી. ક્યાંક ક્યાંક આઠથી દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમણે સરકારને ડિજિટલ સર્વેની પ્રક્રિયા બંધ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું ઘણા ખેડૂતો (ખાસ કરીને મોટી ઉંમરના)ને મોબાઇલ ઓપરેટ કરતા કે લોગઇન કરતા આવડતું નથી, જેના કારણે તેઓ સહાયથી વંચિત રહે છે. તેમણે સરકાર પર ખેડૂતોને ‘છેતરવાનો’ આરોપ લગાવ્યો હતો.
ખેડૂતો સીધી સહાય આપવા માંગ
આ ઉપરાંત ખેડૂતો દેવા અને લોનમાંથી બહાર આવી શકે તે માટે ખેડૂતોને સીધી રીતે સહાય આપવા અને અગાઉ જાહેર કરાયેલી સહાય પણ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી હતી. તેમજ જાફરાબાદના દરિયા કાંઠે માછીમાર ભાઈઓને પણ થયેલા નુકસાન બદલ વહેલી તકે સહાય ચૂકવવાની માંગ કરી હતી.
આ પણ વાંચો…કમોસમી વરસાદ વચ્ચે જામ ખંભાળીયામાં DAP ખાતર માટે લાઈન લાગી, જુઓ વીડિયો



