
જૂનાગઢઃ ભવનાથ તળેટીમાં યોજાઈ રહેલી કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરનો આજે ત્રીજો દિવસ છે. જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત ગેરહાજર છે. તેમની ગેરહાજરીની ઉચ્ચ કક્ષાએ પણ નોંધ લેવામાં આવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી.વેણુગોપાલે કહ્યું કે, 41 જિલ્લા પ્રમુખો પૈકી એક જિલ્લા પ્રમુખ ગેરહાજર છે, જેઓ શિબિરના પ્રથમ દિવસથી ગેરહાજર છે.
કે.સી.વેણુગોપાલે શું કહ્યું?

કે.સી.વેણુગોપાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસમાં હવે જે લોકો કામ કરશે તેમને પ્રમોશન આપવામાં આવશે, જ્યારે જેઓ કામ નહીં કરે તેમની પાસેથી પદ આંચકી લેવામાં આવશે. પ્રતાપ દૂધાત જિલ્લા અધ્યક્ષ બન્યા બાદ સંગઠનનું માળખું હજુ સુધી જાહેર કરી શક્યા નથી, તેને પણ તેમની ગેરહાજરીના કારણ સાથે જોડી શકાય છે.
પ્રતાપ દૂધાતે શું કહ્યું?

પ્રતાપ દૂધાતે જણાવ્યું હતું કે પાર્ટી મને સસ્પેન્ડ કરે તોપણ હું કોંગ્રેસનો મતદાર છું. કોંગ્રેસના મતદાર તરીકે કોઈ મને હટાવી નહીં શકે. હું કોંગ્રેસનો કાર્યકર્તા બનીને કામ કરતો આવ્યો છું અને એટલે જ કોંગ્રેસે મને જિલ્લા પ્રમુખ તરીકે બીજી ટર્મમાં રિપીટ કર્યો હશે. જે હોદ્દો આપે એ લઈ પણ શકે છે, જોકે પાર્ટી મને જિલ્લા પ્રમુખ તરીકે હટાવે તો કોઈ વાંધો નથી, કારણ કે મને જિલ્લા પ્રમુખ તેમણે જ બનાવ્યો હતો. હાલ મારે આ અંગે વધારે કંઈ કહેવું નથી, કારણ કે મારા નામજોગ અથવા મને અંગત રીતે હાઈકમાન્ડે હજુ સુધી કંઈ કહ્યું નથી. હું મિટિંગમાં હાજર નથી રહી શક્યો એની પાછળ મારાં અંગત કારણો છે.
આ પણ વાંચો: અમરેલીઃ કૉંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ભાજપના કાર્યકર્તાઓને કેમ ખખડાવ્યા? જાણો શું છે મામલો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રતાપ દૂધાતના કાકાનું અવસાન થયું હોવાથી તેઓ શિબિરમાં હાજર રહી શક્યા નથી. કે કે.સી.વેણુગોપાલ દ્વારા કોઈ પણ પ્રમુખના નામ જોગ ટિપ્પણી કરવામાં આવી નથી, અને આ મામલો અંગત છે. આ ઉપરાંત અગાઉની શિબિરમાં પણ ગેરહાજરી મુદ્દે પણ સ્પષ્ટતા કરતા સૂત્રોએ જણાવ્યું કે, તે સમયે તેમના કાકા હોસ્પિટલમાં હતા અને સિરિયસ હતા. અને તે મુદ્દે પ્રતાપ દૂધાતે ઈ મેઈલ કરી જાણ કરી હતી કે તેઓ શિબિરમાં હાજર નહીં રહી શકે.
આ પણ વાંચો: અમરેલી લેટરપેડ કાંડઃ પ્રતાપ દૂધાતે મુખ્ય પ્રધાન અને ખોડલધામના નરેશ પટેલને પત્ર લખી શું કરી માંગ?
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે જૂનાગઢ ખાતે આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શહેર-જિલ્લાના પ્રમુખોની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. 10 સપ્ટેમ્બરના રોજ શિબિરના ઉદ્ઘાટન સમયે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે 41 શહેર અને જિલ્લા પ્રમુખોમાંથી 9 પ્રમુખના નબળા પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમને પર્ફોર્મન્સ સુધારવા માટે 90 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો તેઓ આ સમયગાળામાં કામગીરીમાં સુધારો નહીં કરે તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે, એવી ચેતવણી પણ આપી હતી.