અમરેલી જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલે મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું…

અમરેલીઃ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ ડાભી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પાંચ વર્ષ પહેલાં ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો વિક્રમ ડાભી તપાસના કામે ફરિયાદીના ઘરે ગયો હતો. આ દરમિયાન બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
ત્યારબાદ મહિલા તેના પતિ સાથે સુરત રહેતી હતી. ત્યાં પણ વિક્રમ ડાભીએ લગ્નની લાલચ આપી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાએ મારામારી અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આરોપી વિક્રમ ડાભી પહેલા ડુંગર પોલીસ સ્ટેશનમાં અને પછી પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. ભોગ બનનાર મહિલાની સતત અરજીઓને કારણે ફરિયાદ નોંધાતા પહેલા જ તેની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી. રાજુલા પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુના નોંધાયા હતા. બાબરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ સિવાય અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ મહેશ સોલંકી વિરુદ્ધ પણ દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. આ બન્ને ઘટનાથી અમરેલી જિલ્લાના પોલીસ બેડા ખળભળાટ મચી ગયો હતો. દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ બન્ને પોલીસ કર્મી ફરાર થઈ ગયા હતા.