અમરેલીઃ લેટર કાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટી સાથે પોલીસે કરેલા વર્તનને લઈ કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણી 24 કલાકના નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા હતા. અમરેલીના રાજકમલ ચોક ખાતે તેઓ ધરણા પર બેઠા હતા, જેમાં કૉંગ્રેસના વીરજી ઠુંમર, લલિત વસોયા, જેની ઠુંમર, સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધરણા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પૂર્વ સાંસદ વીરજી ઠુંમરે જણાવ્યું, ગઇકાલે કૌશિક વેકરિયાને બોલાવ્યા હતા કે જો તમે સાચા હોત તો આવીને ચર્ચા કરો, ખુલાસો કરો પણ પાયલ પર તમે જે કર્યું છે એ યોગ્ય નથી. એમણે જે સીટની રચના કરી છે એના પર અમને ભરોસો નથી. ગઇકાલે કૌશિક વેકરિયા આવ્યા નહીં એટલે લાગે છે કે એમના પર જે આક્ષેપ થયા એ સાચા છે. કૌશિક વેકરિયા દોષિત છે, 40 લાખ રૂપિયાનો હપ્તો ઉઘરાવે જ છે. એટલે જ કાલે જવાબ દેવા આવ્યા નહોતા.
લલિત વસોયાએ કહ્યું, અમરેલી પોલીસનું નિંદનીય વર્તણૂક છે. તેમણે ભાજપના નેતા અને પૂર્વ સાંસદ નારણ કાછડીયાને ખુલ્લું આમંત્રણ આપતા કહ્યું, આવો નારણભાઇ સિંહના કલેજા સાથે આ દિકરીને ન્યાય ન મળે ત્યાં સુધી આપ લડાઇ કરો. ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જે મૂંગા રહીને સમર્થન આપે છે તેમને કહીશ કે ખુલ્લામાં આવો, કોઇનાથી ડરો નહી. તમારા અંતર આત્મા ક્યાં ગયા છે? આ મામલે ભાજપ-કોંગ્રેસ નથી કરવાનું. દિકરીને ન્યાય ન મળે ત્યાં સુધી લડાઇ લડો. આપ સૌને ખુલ્લું આમંત્રણ છે.
બનાવટી લેટર કાંડમાં પાયલ ગોટીએ ખુદ પોલીસ વડા ખરાત અને પીઆઇ પરમાર સામે ગંભીર આક્ષેપો કર્યા બાદ પોલીસ વડાએ જ SITની રચના કરી હતી. જોકે, પાયલ ગોટીએ આ સીટનો અસ્વીકાર કરી નિવૃત્ત જજની અધ્યક્ષતામા સીટ રચવાની માંગ કરી મેડિકલ ટેસ્ટ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો.
શું હતો સમગ્ર મામલો
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઇરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત ચાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે લેટર કાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતી પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું હતું, જેનો ભારે વિરોધ થયો હતો. જે બાદ ત્રીજી જાન્યુઆરીએ આ પાટીદાર યુવતીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા હતા. સેશન્સ કોર્ટે 15 હજારના બૉન્ડ પર પાયલ ગોટીને રેગ્યુલર જામીન આપ્યા હતા.