અમરેલીટોપ ન્યૂઝ

અમરેલીના આ ગામમાં એક વર્ષમાં થઈ 381 લગ્નની નોંધણી, લવ જેહાદની પણ આશંકા

અમરેલીઃ બગસરાનું મોટા મુંજીયાસર (Mota Munjiyasar) ગામ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આ ગામમાં એક જ વર્ષમાં 381 લગ્ન નોંધાણી (Marriage Registration) થઈ હતી, એટલે કે દરરોજના એક કરતાં વધુ લગ્ન નોંધણીની વાત તંત્રના ધ્યાનમાં આવતાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને રેકોર્ડ જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

શું છે સમગ્ર મામલો

બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે આવેલા ખોડિયાર મંદિરે લોકોના લગ્ન કરી નોંધણી કરવામાં આવતી હતી. એક જ વર્ષમાં અહીં 381 લગ્નની નોંધણી થઈ હોવાની માહિતી સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. નાયબ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં રેકોર્ડ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 381 નોંધણી મળી આવી હતી. સૂત્રોના કહેવા મુજબ, જિલ્લામાંથી ઘણી દીકરીઓને વિધર્મી દ્વારા ભોળવીને ભગાડી જવામાં આવે છે. લગ્નનું નાટક કર્યા બાદ થોડા દિવસ સુધી ફેરવીને અસલી રૂપ બતાવવામાં આવે છે. જેને લઈ અહીં નોંધાયેલા કેટલાક કિસ્સામાં લવ જેહાદની આશંકા છે.

આ પણ વાંચો: વડોદરામાં લવ જેહાદનો કિસ્સો: મોહસીને મનોજ નામ રાખીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી

આ ઉપરાંત ઘણા લગ્નની નોંધણી બીજા જિલ્લાના વર-વધૂ હોય તેવા કિસ્સામાં પણ થઈ છે. મોટાભાગના લગ્ન એક જ મંદિરમાં થયા હોવાથી અનેક શંકા-કુશંકા થઈ રહી છે. બીજા જિલ્લાના લોકો બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામમાં જ લગ્નની નોંધણી માટે કેમ આવે છે તે પણ તપાસનો વિષય છે અને આવા લગ્ન નોંધણીમાં લવ જેહાદના કિસ્સા છે કે તેમ તેની પણ તપાસ કરવી જરૂરી છે. આ ઉપરાંત મોટાભાગના લગ્નમાં એક જ પૂજારી અને એક જ સાક્ષીઓ વારંવાર રીપિટ થયા હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: “લૂંટેરા સમૂહલગ્ન”: અમદાવાદમાં લગ્નની કંકોત્રી છાપીને કરી 24 લાખની છેતરપિંડી….

ટીડીઓ તુષાર ગજેરાએ આ અંગે મુંબઈ સમાચાર સાથે વાત કરતાં જણાવ્યું, લગ્ન નોંધણી ગ્રામ પંચાયત કચેરી દ્વારા થાય છે. અમે માત્ર રેકોર્ડ ચેક કરીએ છીએ. હાલ નોંધાયેલા લગ્નના રેકોર્ડની ચકાસણી કરી રહ્યા છીએ.

તલાટી મંત્રીને આ અંગે પૂછવામાં આવતાં તેમણે લગ્ન નોંધણીની સત્તા હોદ્દાની રૂએ મળી છે તે અન્વયે કરી છે તેમ જણાવ્યું હતું. જોકે તેમણે માત્ર આ ગામમાં જ કેમ લગ્નની નોંધણી કરી, ઉપલા અધિકારીને જાણ કરી છે કે નહીં, લગ્નની તપાસ કરી છે કે નહીં તે અંગે કંઈ કહેવાનું ટાળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button