અમરેલીના જાફરાબાદ દરિયાકાંઠે નાળીયેરી પૂનમની ઉજવણી, માછીમારોએ દરિયા દેવનું પુજન કર્યું...

અમરેલીના જાફરાબાદ દરિયાકાંઠે નાળીયેરી પૂનમની ઉજવણી, માછીમારોએ દરિયા દેવનું પુજન કર્યું…

જાફરાબાદ: ગુજરાતમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનનું પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યું હતું. જોકે, આજે પૂનમના દિવસને મહારાષ્ટ્રના મુંબઇ અને કોંકણના તેમજ ગુજરાતના દરિયાકાંઠાના હિંદુ માછીમાર સમુદાય તેને નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ ઉજવે છે.

જેના પગલે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર આજે નાળિયેરી પૂનમ નિમિત્તે માછીમારોએ પરંપરા મુજબ દરિયા દેવનું પૂજન કર્યું હતું. તેની બાદ હવે માછીમારો માછીમારી માટે દરિયો ખેડવાની શરુઆત કરશે.

દરિયા દેવને પ્રાર્થના કરવામાં આવી
આજે જાફરાબાદમાં અનેક માછીમારોએ વિધિવત રીતે દરિયા દેવની પૂજા કરી હતી. જેમાં દરિયામાં માછીમારી કરવા જતા માછીમારોની સુરક્ષા અને રક્ષા માટે દરિયા દેવને પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે માછીમાર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શુકનરૂપે નાની હોડીઓ પણ દરિયામાં છોડવામાં આવી
નાળિયેરી પૂનમ નિમિત્તે ખારવા સમાજની પરંપરા મુજબ બોટ માલિકો દૂધની હેલ, વિવિધ ફૂલો અને શ્રીફળ સાથે પૂજન કરે છે. સાગર ખેડૂત મહિલાઓ દરિયા દેવને અગરબત્તી, દીવો અને પ્રસાદ અર્પણ કરી પતિ, પુત્રો અને ભાઈઓની રક્ષા માટે દરિયા દેવને પ્રાર્થના કરે છે.

તેમજ તેના શુકનરૂપે નાની હોડીઓ પણ દરિયામાં છોડવામાં આવે છે. જયારે આગામી 16 તારીખથી જાફરાબાદ અને આસપાસના માછીમારો દરિયામાં માછીમારી કરવા રવાના થશે. જેની માટે બોટને શણગારવામાં આવી રહી છે.

નાળિયેરી પૂનમનું મહત્વ
હિન્દુ ધર્મમાં નાળિયેરી પૂનમની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સમુદ્ર કિનારે રહેતા માછીમાર સમુદ્ર દેવ અને વરૂણ દેવતાની વિશેષ પૂજા કરે છે. નાળિયેરી પૂનમના દિવસે આ બંને દેવતાની પૂજા કરવાથી આખું વર્ષ સમુદ્રિ ક્ષેત્ર સુરક્ષિત રહે છે.

તેથી આ દિવસે માછીમાર સમુદ્રના કિનારે વિશેષ રીતે પૂજા કરી ભગવાનને નાળિયેર ચઢાવે છે. આ કારણથી આ શ્રાવણ મહિનાની પૂનમને નાળિયેરી પૂર્ણિમા પણ કહેવાય છે.

આ પણ વાંચો…ગુજરાત સરકારનો માછીમારો માટે નિર્ણય: નવી સીઝન પૂર્વે બોટ માટે ડીઝલ વિતરણ શરૂ થશે

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button