જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતને લઈ ધારાસભ્યએ વન પ્રધાનને પત્ર લખી વન વિભાગ સામે કાર્યવાહી કરવા માંગ કરી…

અમદાવાદઃ જાફરાબાદ રેન્જમાં ત્રણ સિંહ બાળના અચાનક મોત થતા વન વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાને કારણે સિંહ પ્રેમીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી. અચાનક ત્રણ સિંહબાળ અગમ્ય કારણોથી મોતને ભેટતા વન વિભાગે આ વિસ્તારમાં રહેલી બે સિંહણ અને તેની સાથે જોવા મળતા 9 સિંહબાળને પાંજરે પૂરીને મોતનું કારણ ચકાસવા કામગીરી શરૂ કરી હતી.
આ ઘટનાને રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ વન પ્રધાન મુળુ બેરાને પત્ર લખી ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વન વિભાગના અધિકારીઓની બેદરકારી અને નિષ્કાળજીને સિંહોના મોત માટે જવાબદાર ઠેરવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી.
ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા બે માસમાં ‘પાલીતાણા શેત્રુંજી ડિવિઝન’ અને ‘ધારી ગીર પૂર્વ ડિવિઝન’માં સિંહોના મૃત્યુનો આંકડો નોંધપાત્ર રીતે વધ્યો છે. આવી ઘટનાઓ શા માટે સમયસર ધ્યાનમાં આવતી નથી. આ ઉપરાંત તેમણે પત્રમાં લખ્યું કે, વનવિભાગના અધિકારીઓ દ્વારા સિંહબાળની જે તે સમયે તપાસ કરવામાં આવી હોત તો મૃત્યુના બનાવો અટકાવી શકાયા હોત. તેમના મતે, રેન્જના અધિકારીઓની ભૂલ, નિષ્કાળજી અને અણઆવડતના કારણે જ સિંહોના મૃત્યુના બનાવો બનતા હોવાનું ફલિત થાય છે.
ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું કે સિંહો માટે પીવાના પાણીના પોઈન્ટ અગત્યના છે, પરંતુ તેની કોઈ યોગ્ય વ્યવસ્થા જોવા મળતી નથી. આ ઉપરાંત, તેમણે જો સિંહોમાં કોઈ વાયરસ ફેલાયેલો હોય તો વધુ મૃત્યુ અટકાવવા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવી જોઈએ તેમ પણ કહ્યું હતું.
આ પણ વાંચો…એક દંતકથાનો અંત! ગીરના સિંહો જય અને વીરુનું મોત, વડાપ્રધાન મોદી પણ ચાહક હતાં…