અમરેલી

સરહદ પર શાંતિ વચ્ચે ગુજરાતમાં જાફરાબાદના દરિયામાં હિલચાલ, શંકાસ્પદ બોટ દેખાતા તંત્ર સતર્ક

સરહદ પર શાંતિ વચ્ચે ગુજરાતમાં જાફરાબાદના દરિયામાં હિલચાલ, શંકાસ્પદ બોટ દેખાતા તંત્ર સતર્ક

અમરેલી: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સરહદી તણાવમાં 10 મેના રોજ થયેલા યુદ્ધવિરામ બાદ સરહદ પર શાંતિ જોવા મળી રહી છે. જો કે આ દરમિયાન જાફરાબાદના દરિયાકાંઠાથી લગભગ 20 નોટિકલ માઈલ દૂર અરબ સાગરમાં એક શંકાસ્પદ બોટ જોવા મળતા ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક માછીમારો દ્વારા વાયરલેસ દ્વારા તેમના બોટ કેપ્ટનને આ માહિતી આપવામાં આવી હતી, ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ જાફરાબાદ બોટ એસોસિએશને ભારતીય તટરક્ષક દળ (Coast Guard)ને કરી હતી.

હેલિકોપ્ટર દ્વારા વિસ્તારનું નિરીક્ષણ

અરબ સાગરમાં શંકાસ્પદ બોટ જોવા મળી હોવાની વિગતો મળતાની સાથે જ કોસ્ટ ગાર્ડે ગંભીરતા દાખવીને હેલિકોપ્ટર દ્વારા વિસ્તારનું નિરીક્ષણ શરૂ કરી દીધું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શંકાસ્પદ બોટ દમણ તરફ ભાગતી જોવા મળી છે. જો કે, બોટની ઓળખ અને તેમાં સવાર લોકો વિશે કોઈ સત્તાવાર માહિતી હજી સુધી સામે આવી નથી.

ગુજરાતનો દરિયાકાંઠો સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ

હાલ આ અંગે સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ નજર રાખી રહી છે. કોસ્ટ ગાર્ડ તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવામાં આવી રહી છે. નોંધનીય છે કે ગુજરાતનો દરિયાકાંઠો સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે, પાકિસ્તાને ગુજરાતની દરિયાઈ સીમા સંકળાયેલી છે અને આથી બંને દેશ વચ્ચેની તણાવભરી સ્થિતિમાં કોઈપણ શંકાસ્પદ ગતિવિધિને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

કચ્છમાં માછીમારીની સિઝન નિષ્ફળ

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે સમુદ્રમાં સુરક્ષાની દ્રષ્ટિએ માછીમારી કરવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરતાં મત્સ્ય વિભાગે નારાયણ સરોવર, જખૌ અને લખપત ત્રણ મત્સ્ય બંદરો પર માછીમારી કરવાનો પ્રતિબંધ મૂક્યો છે. આ કારણે અન્ય રાજ્યમાંથી આવેલા અને સ્થાનિક માછીમારોને મુશ્કેલી ઊભી થઈ છે અને માછીમારીની સિઝન નિષ્ફળ ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button