સિંહોના મૃત્યુ મામલે વધુ એક ધારાસભ્યએ સરકારને લખ્યો પત્ર; વન વિભાગની કામગીરી પર સવાલ

અમદાવાદ: અમરેલી જિલ્લામાં સિંહોના મોતના બનાવોબે મુદ્દે જાફરાબાદના ધારાસભ્ય બાદ હવે ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ તાજેતરમાં વન પ્રધાન મુળુભાઈ બેરાને પત્ર લખી ગીર વિસ્તારમાં સિંહોના અકાળે મૃત્યુ અને વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતાં. પાલીતાણા શેત્રુંજી ડીવીઝન અને ધારી પૂર્વ ગીર ડીવીઝનમાં સિંહો, ખાસ કરીને સિંહ બાળના મૃત્યુના બનાવોને મુદ્દે વનવિભાગની કાર્યવાહી પર સવાલો કર્યા હતાં.

આ પણ વાંચો: જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતને લઈ ધારાસભ્યએ વન પ્રધાનને પત્ર લખી વન વિભાગ સામે કાર્યવાહી કરવા માંગ કરી…
ધારાસભ્ય કાકડીયાએ પત્રમાં જણાવ્યું હતું કે, વન વિભાગના નિયમો અનુસાર ટ્રેકર અને અન્ય અધિકારીઓ દ્વારા વન વિસ્તારમાં સતત દેખરેખ રાખવામાં આવે છે, તેમ છતાં સિંહ બાળના મૃત્યુના કારણો સમયસર ધ્યાને આવ્યા નથી. તેમણે આ બાબતને “અતિ ગંભીર” ગણાવી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે જો વન વિભાગ દ્વારા સમયસર સિંહોની તપાસણી કરવામાં આવી હોત તો આ મૃત્યુ અટકાવી શકાયા હોત.
કાકડીયાએ અગાઉ દીપડાના હિંસક હુમલાથી થયેલા માનવ મૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં પણ વન વિભાગની નિષ્કાળજી સ્પષ્ટ દેખાઈ હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “વન વિભાગની કામગીરી હાલની તકે સંતોષકારક હોય તેવું જણાતું નથી.”
એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીર વિસ્તારમાં જ જોવા મળે છે, ત્યારે તેમના જતન, સંવર્ધન અને સુરક્ષાની જવાબદારી માત્ર વન વિભાગની જ નહીં, પરંતુ દરેક નાગરિકની પણ છે. ધારાસભ્યએ વન પ્રધાને આ મામલે ગંભીરતાથી ધ્યાન આપી વન્યપ્રાણીઓના રક્ષણ માટે પૂરતા પગલાં લેવા સૂચન કર્યું હતું.