જાફરાબાદનાં કારખાનામાં ભીષણ આગ; ફાયર વિભાગ સહિત તંત્ર થયું દોડતું

અમરેલી: છેલ્લા ઘણા દિવસોમાં ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. થોડા દિવસ પૂર્વે રાજકોટ અને સુરતનાં ઔદ્યોગિક એકમોમાં આગની ઘટનાઓ સામે આવી હતી. જ્યારે રાજ્યમાં વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટ ગામ પાસેનાં કારખાનામાં ભીષણ આગ લાગી હતી.
આ પણ વાંચો: Viral Video: નોએડાની ગર્લ્સ હોસ્ટેલના એસીમાં લાગી ભીષણ આગ, વિદ્યાર્થિનીઓ જીવ બચાવવા કૂદી…
જાફરાબાદનાં એક કારખાનામાં આગ
પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનાં બાબરકોટ ગામ નજીક આવેલા એક કારખાનામાં ભીષણ આગ લાગી હતી. કચરાના ઢગલામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેના પર કાબૂ મેળવવા માટે 7 જેટલા ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને હાલ આગ ઉપર કાબૂ મેળવવવાની કામગીરી હાથ ધરી હતી.
આગ લાગવાનું કારણ અકબંધ
મળી રહેલી વિગતો અનુસાર આ કારખાનામાં કચરાનું રિસાયકલિંગ કરવામાં આવી રહ્યું હતું અને તેની પ્રક્રિયા દરમિયાન કોઇ કારણોસર આગ લાગી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સાત ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે
જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની વિગતો મળતાની સાથે જ રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાની ફાયરની ટીમ, પીપાવાવ પોર્ટની ટીમ સહિત કુલ સાત જેટલી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.