અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે સિંહનો માનવી પર હુમલો, જાણો ક્યાં બની ઘટના

અમરેલીઃ જિલ્લામાં સતત બીજા દિવસે સિંહે માનવી પર હુમલો કર્યાની ઘટના બની હતી. ખાંભાના ગીદરડી ગામની સીમમાં વાડીએ પાણી વાળતા ખેતમજૂર પર સિંહે હુમલો કર્યો હતો. સિંહના હુમલાના કારણે મજૂર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ગીદરડી ગામે વાડીએ મુકેશભાઈ લખુભાઈ સોલંકી (ઉ.34) નામના ખેતમજૂર પાણી વાળી રહ્યા હતા ત્યારે અચાનક સિંહે તેમના પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત મુકેશભાઈને તાત્કાલિક ખાંભાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે અમરેલી રિફર કરાયા હતા. સિંહના હુમલાના કારણે વાડીએ કામ કરતા મજૂરોમાં ફફડાટ ફેલાયો હતો.
બગસરામાં 5 વર્ષના બાળકનો સિંહણે કર્યો શિકાર
ગઈકાલે બગસરા તાલુકાના હામાપુર ગામ નજીક પરપ્રાંતીય ખેતમજૂરના પાંચ વર્ષના દીકરા પર સિંહણે હુમલો કરતાં મોત થયું હતું. રમેશભાઈ નાનજીભાઈ સોજીત્રાની વાડીમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરનો નાનકડો દીકરો કનક વિનોદભાઈ ડામોર વાડીમાં પાણીની કુંડી પાસે રમી રહ્યો હતો ત્યારે સિંહણ અચાનક આવી ચડી હતી અને બાળકને મોઢામાં પકડી ઢસડી ગઈ હતી. દરમિયાન સ્થાનિકો ખેડૂતોએ વનવિભાગને જાણ કરી હતી અને અમરેલી સામાજિક વનીકરણની ટીમ આવી હતી. જોકે બાળકનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ વિસ્તારને કોર્ડન કરી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. બાળકના મૃતદેહને બગસરા ખાસે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.
આ પણ વાંચો: અમરેલીના બગસરામાં પાંચ વર્ષના બાળકનો સિંહણે કર્યો શિકાર
રાજ્યમાં અમરેલીમાં છે સૌથી વધુ સિંહ
ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં રાજ્યમાં 16માં સિંહ વસ્તી ગણતરીના આંકડા સરકારે જાહેર કર્યા હતા. રાજ્યમાં 891 સિંહ નોંધાયા હતા. 5 વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકાનો વધારો થયો હતો. વસ્તી ગણતરીના આંકડા મુજબ, અમરેલી જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ 339 સિંહો નોંધાયા હતા.



