અમરેલીમાં પાટીદાર દિકરીનાં માનવ અધિકાર હનન મામલે રાજકોટમાં કૂર્મી સેનાએ આવેદન પત્ર પાઠવ્યું

રાજકોટ : તાજેતરમાં અમરેલીમાં ભાજપનાં બે જૂથો વચ્ચે રાજકીય વૈમનસ્યને કારણે સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે અનેક આક્ષેપ કરતો પત્ર વાઇરલ થયો હતો. જે બાબતે સામેના જૂથ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં જેમણે ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવી નહોતી તેવી પાટીદાર સમાજની દિકરીને આરોપી બનાવી મધરાતે ધરપકડ કરવામાં આવી હતી. તેમજ જાહેર માર્ગ પર તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: WATCH: અમરેલીમાં નકલી લેટરપેડ કાંડમાં ભાજપના જ નેતાઓની સંડોવણી સામે આવતાં મચ્યો ખળભળાટ
પાટીદાર સમાજમાં રોષની લાગણી
આ બાબતે પાટીદાર સમાજમાં વ્યાપક રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે દિકરીને યોગ્ય ન્યાય મળે અને તેને બદનામ કરી તેની સાથે હાર્ડ કોર ક્રિમીનલ જેવો વ્યહવાર કરનાર દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા આજે રાજકોટ ખાતે કલેકટર મારફત મુખ્ય પ્રધાનને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ન્યાય નહીં મળે તો મહિલા આયોગમાં મુદ્દો લઈ જવાશે
આ આવેદનમાં જો સરકાર દિકરીને ન્યાય અપાવવામાં નિષ્ફળ જશે તો આવનારા સમયમાં માનવ અધિકાર આયોગ, મહિલા આયોગ અને હાઈકોર્ટમાં સુઓમોટો રિટ સહિતનાં વિકલ્પો પર કાનૂની લડતનાં મંડાણ કરવામાં આવશે તેવી કૂર્મી સેનાનાં અગ્રણીઓએ જાહેરાત કરી હતી.
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પાટીદાર સમાજનાં અગ્રણીઓ અને કૂર્મી સેનાનાં આગેવાનો – કાર્યકર્તાઓએ એકત્રિત થઈ દિકરીને ન્યાય અપાવવા માટે નારાબાજી કરી હતી. કૂર્મી સેનાનાં આગેવાનોએ સાથે મળીને કલેકટરપ્રભોવ જોષીને ઉગ્ર રજૂઆત કરીને પાટીદાર સમાજની લાગણીથી વાકેફ કર્યા હતા.