કૌશિક વેકરીયાએ અમરેલી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલી નુકશાનીનો તાગ મેળવ્યો…

રાજ્ય પ્રધાને સાવરકુંડલાના જાબાળ, ઘનશ્યામનગર ગામના ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકોનું નિરીક્ષણ કર્યું
અમરેલીઃ રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય પ્રધાન કૌશિકભાઈ વેકરીયાએ આજરોજ ભારે વરસાદથી અસરગ્રસ્ત સાવરકુંડલા તાલુકાના જાબાળ, ઘનશ્યામનગર સહિતના ગામોની મુલાકાત લઈ કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો.
રાજ્ય પ્રધાને ખેડૂતોના ખેતરોમાં જઈને મગફળી-કપાસ સહિતના પાકોમાં કમોસમી વરસાદથી નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખેડૂતોબંધુઓ સાથે સંવાદ સાધીને પાક નુકસાનીની વિગતો પણ મેળવી હતી. કૌશિક વેકરિયા સાવરકુંડલાના નુકસાનગ્રસ્ત ગામોની મુલાકાત બાદ રાજુલા માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યાં હતાં.
અહીં તેઓએ ખેડૂતો, સહકારી અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી ગામડામાં થયેલ નુકસાની અંગે રજૂઆતો સાંભળી હતી. આ સમયે તેમની સાથે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા, સાંસદ ભરત સુતરિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય પ્રધાન કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે. આ માટે તાત્કાલિક પાક નુકસાનીના સર્વે માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોની પડખે રહી પૂરતી મદદ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, માવઠાથી થયેલાં નુકસાન અંગે રાજ્યના પાંચ પ્રધાનોએ જમીનસ્તરનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કર્યો હતો. આવતીકાલે યોજાનારી કેબિનેટ બેઠક બાદ આ રિપોર્ટની સમીક્ષા કરીને ખેડૂતો માટે સહાયની જાહેરાત થવાની શક્યતા છે. રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ખેડૂતો એકલા નથી, સરકાર તેમના સાથે છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક જરૂરી પગલું ભરાશે.
આ પણ વાંચો…પ્રધાનોએ માવઠાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધીઃ કેબિનેટમાં પેકેજ જાહેર થવાની શક્યતા…



