લોકોના પૈસાનું શોષણ કરનારાઓને છોડવામાં આવશે નહીંઃ જીતુ વાઘાણી…

અમરેલીઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમરેલી જિલ્લાના કુંકાવાવ મુકામે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનનું જીતુ વાઘાણીએ લોકાર્પણ કર્યું હતું. સાથે જ ₹ 6.48 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બગસરા એસ.ટી. ડેપો વર્કશોપ તથા ₹ 6.58 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ધારી એસ.ટી. બસ ડેપો-વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું, લોકોના પૈસાનું શોષણ કરનારાઓને છોડવામાં આવશે નહીં.
આ ઉપરાંત વાઘાણીએ કહ્યું, આ તમામ વિકાસકાર્યો રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે. મુસાફરોને સુવિધાજનક, સુરક્ષિત અને સમયસર પરિવહન સેવા સુનિશ્ચિત કરશે તથા સ્થાનિક વિકાસ અને રોજગારના અવસર સર્જશે. સુવિધાઓ વ્યવસ્થિત બને તે માટે સરકાર ઘણા પગલાં લઈ રહી છે. તેમણે વર્ષોથી કામ કરતા લોકોને ચેતવણી આપતા કહ્યું કે, જો ગેરરીતિ જણાશે તો તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.
પ્રધાન વાઘાણીએ ઉમેર્યું કે, રાજ્ય અને દેશમાં આવા લોકોને કામ કરવા દેવામાં આવશે નહીં. અમરેલીમાં કેટલીક બાબતો તેમના ધ્યાનમાં આવી છે અને તે અંગે રિપોર્ટ મંગાવી વિજિલન્સ તપાસ પણ મુકવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, લોકોના પૈસાનું શોષણ કરનારાઓને છોડવામાં આવશે નહીં. વાઘાણીએ કુંકાવાવ તાલુકાને જવાબદારી સોંપતા કહ્યું કે, યોગ્ય રીતે કામ થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આ પણ વાંચો…વાંકાનેરમાં ગુજરાત-રાજસ્થાનના 250 અશ્વોનો પરંપરાગત શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા…
ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના કુંકાવાવ ખાતે ₹321.72 લાખના ખર્ચે નવનિર્મિત ST બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. તેમજ ધારી અને બગસરા ખાતે બનનારા નવા ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.



