અમરેલીના જાફરાબાદમાં ત્રણ સિંહ બાળના કઈ રીતે થયા હતા મોત? જાણો વન પ્રધાને શું કહ્યું

અમરેલીઃ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક 9 જેટલા સિંહબાળમાં શંકાસ્પદ રોગના લક્ષણ જણાતા રેસ્ક્યૂ કરાયા હતા, જેમાંથી ત્રણના મોત થયા હતા. આ ત્રણેય સિંહબાળના મોત વાઈરસના કારણે થયા હોવાનો વન પ્રધાન મુળુભાઈ બેરાએ સ્વીકાર કર્યો હતો.
સાસણમાં આયોજિત કાર્યક્રમમાં વન પ્રધાને કહ્યું હતું કે 2018માં વાઇરસના કારણે જે રીતે સિંહના મોત નિપજ્યા હતા તેની સરખામણીએ આ વખતે મૃત્યુઆંક અટકાવવામાં સફળતા મળી છે. જો કે, વન પ્રધાનને જ્યારે આ વાઇરસ સીડીવી જ છે કે નહીં તે અંગે સવાલ કરાતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. અહીં એ જાણવું જરુરી છે કે સીડીવી (કેનાઈલ ડિસ્ટેમ્પર વાઈરસ)ના કારણે 2018માં ગીરમાં 34 સિંહના મોત નિપજ્યા હતા.
આ પણ વાંચો: જાફરાબાદ રેન્જમાં થયું હતું 3 સિંહબાળનું મોત! પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
ઉલ્લેખનીય છે કે જાફરાબાદ તાલુાકના કાગવદર ગામ નજીક સિંહોના એક ગ્રુપમાં સામેલ 9 બાળસિંહમાં ભેદી રોગના લક્ષણો જણાયા હતા. વનવિભાગની ટીમે આ તમામ બાળસિંહનું રેસ્કયૂ કરી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણ બાળસિંહના મોત થતા સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. અન્ય 6 બાળસિંહને તાત્કાલિક સારવાર મળતા તેઓનો બચાવ થયો હતો.
શ્વાનની લાળ મારફતે નીકળતા વાઇરસને લીધે ફેલાતો આ રોગ વન્ય જીવો માટે બહુ જ મોટો ખતરો મનાય છે. માણસોમાં જે વાઇરસને લીધે બ્રોન્કાઈટિસ જેવા રોગો પ્રસરે છે. એ જ કૂળનો આ વાયરસ પ્રાણીઓમાં જીવલેણ બની જાય છે.
શ્વાસોચ્છવાસની પ્રક્રિયા દ્વારા પ્રાણીઓના શરીરમાં આ વાઇરસ પ્રવેશે પછી એક અઠવાડિયામાં તેના લક્ષણો દેખાવા માંડે છે. એક અઠવાડિયામાં જો તેનો ઈલાજ કરવામાં ન આવે તો વાયરસ સતત દ્વિગુણ રુપાંતરિત (બમણી ઝડપે શરીરમાં પ્રસરીને) જીવલેણ બની જાય છે.
આ પણ વાંચો: અમરેલીના કાગવદરમાં 2 સિંહબાળના ભેદી મોત: ગીરમાં રોગચાળાનો ખતરો? વન વિભાગ હરકતમાં
ઉલ્લેખનીય છે કે, તાજેતરની વસ્તી ગણતરી મુજબ અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહ પરિવારનો વસવાટ છે, જેની જાળવણી અને સંભાળ વન વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં સતત સિંહોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં 339 સિંહ પરિવાર વસે છે.
આ વિસ્તારમાં વિવિધ અભયારણ્યો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો વસવાટ કરે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં 125 સિંહ છે. રાજુલા, જાફરાબાદ અને નાગેશ્રી વિસ્તારમાં 94 સિંહ વસે છે. મીતીયાળા વન્યજીવ અભયારણ્યમાં 32 સિંહ છે, જ્યારે બાબરા અને જસદણ વિસ્તારમાં માત્ર 4 સિંહ વસે છે.