અમરેલીના જાફરાબાદમાં વરસાદ સાથે બે મકાન પર વીજળી પડી

અમરેલીઃ રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ વચ્ચે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ગાજવીજ સાથે વરસાદ ખબક્યો હતો. આ દરમિયાન આકાશમાંથી વીજળી પડવાથી બે મકાનોને ભારે નુકસાન થયું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાનોમાં રહેલા ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા.
જાફરાબાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન ખોડિયાર નગર કોળીવાડ વિસ્તારમાં રહેલા બે મકાનો પર સીધી વીજળી પડી હતી. વીજળી પડવાના કારણે બંને મકાનોની અંદર રાખેલા ટીવી, એસી, પાણીની મોટર અને ઘરનું ઈલેક્ટ્રિક વાયરિંગ સંપૂર્ણપણે બળી ગયું હતું. આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક લોકો અને તંત્રને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા, જાફરાબાદ મામલતદારની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
આ પણ વાંચો: ભાવનગરમાં વાઝડી, કરા અને વરસાદે સર્જી તારાજી, અનેક વૃક્ષો ધરાશાયી, વીજળી પડી
હવામાન વિભાગ દ્વારા તા. 20 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ તા. 21 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતૂ. આ ઉપરાંત આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.