અમરેલી જિલ્લામાં ખેડૂત મુશ્કેલીમાં મહેનત ઉપર રોટાવેટર ફરી વળ્યું…

અમદાવાદઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સહિતના વિવિધ કારણોસર ખેડૂતો પરેશાન થઈ ગયા છે. મગફળીના ખેડૂતો સહિત ડુંગળીના ખેડૂતો પણ ભાવ ન મળતા નિરાશ થઈ ગયા છે. ખેડૂતો કહી રહ્યા છે કે ચાની એક પ્યાલી કરતા ડુંગળી સસ્તી વેચાય રહી છે. આજે ચાની એક પ્યાલી જે રૂ. 10 થી રૂ. 15 સુધી મળે છે, ત્યારે ડુંગળી માત્ર રૂ. 3 થી રૂ. 5 પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો માટે ખેતી કરવી મુર્ખતા સમાન બની ગઈ છે.
સાવરકુંડલા તાલુકાના ખડસલી તેમજ આસપાસના ગામોમાં મોટા પાયે ડુંગળીનું વાવેતર થયું હતું. દરેક ખેડૂત 5 થી 15 વીઘા સુધી પાક ઉગાડી મહેનતનું ફળ મેળવવાની આશા રાખી રહ્યા હતા. પરંતુ બજારમાં માંગ ઘટતા અને સપ્લાય વધતા હાલ મળતા ભાવમાં ખેતીમાં થયેલો ખર્ચ પણ ખેડૂતોને મળતો ન હોવાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે.
ખડસલી ગામના ખેડૂત ભનુભાઈ દોંગાએ મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે 15 વીઘા ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ પુરતાં ભાવ નહીં મળતા, તેમણે અંતે દુ:ખ અને આક્રંદ સાથે પોતાના ડુંગળીનાં પાક ઉપર રોટાવેટર ફેરવી દેવું પડ્યું હતું.
આવી જ રીતે ચેતનભાઈ માલાણીએ જણાવ્યું હતું કે, અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. ટેકાના ભાવ હેઠળ ખરીદી કરવામાં આવે તો જ ખેડૂતોને રાહત મળશે. નહીં તો આવનારા સમયમાં ડુંગળીનું વાવેતર સદંતર ઘટી જશે.



