લાઠીના પીપળવા ગામે સામાન્ય બાબતે જુથ અથડામણ; 10 જેટલા લોકોને ઇજા

અમરેલી: ગુજરાતમાં અસામાજિક તત્વોના ત્રાસની ઘટનાઓ સામે આવતી રહે છે. બનાસકાઠામાં થયેલી જુથ અથડામણનો મુદ્દો ચર્ચામાં છે તેવા સમયે અમરેલી જિલ્લામાં જુથ અથડામણની ઘટના પ્રકાશમાં આવી છે. અમરેલીના લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામે સામાન્ય બોલાચાલીમાંથી બે જુથ સામ સામે આવી ગયા હતા. આ જુથ અથડામણમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
10 જેટલા લોકોને પહોંચી ઈજા
મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામે સામાન્ય કચરો ફેંકવાની બાબતે બે જૂથો સામસામે આવી ગયા હતા. ગામના બંને જૂથોએ ધારીયા અને કુહાડી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં લગભગ 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભાભરમાં જુથ અથડામણ
બનાસકાંઠાના ભાભરમાં 30 એપ્રિલના રોજ બે જૂથો સામસામે આવી ગયા હતા. હાઇવે પર જાહેરમાં થયેલી મારામારીની ઘટનામાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે આરોપીઓને પકડીને કડકમા કડક સજા કરવા માગ કરી હતી. ગાડીની સાઈડ આપવા બાબતે દરબાર અને ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે જીવલેણ મારામારી થઈ હતી.
30 એપ્રિલે થયેલા હુમલાના વિરોધમાં ભાભરમાં ઠાકોર સમાજની રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં પાછળથી બજારોમાં તોડફોડ કારવાની ઘટનામાં મોટી કાર્યવાહી કરીને લગભગ 70થી 80 લોકો વિરુદ્ધ ભાભર પોલીસે ફરિયાદ નોંધી છે.
આપણ વાંચો: બનાસકાઠામાં કરા પડ્યા, રાજ્યભરમાં ખેડૂતોની વધી ચિંતા